પોરબંદર એલસીબીની મોટી કાર્યવાહી : ૨૬ વર્ષથી પોલીસને હાથતાળી આપતો સોનાની ચોરીનો આરોપી મુંબઈથી ઝડપાયો!
કીતિર્મંદિર પોલીસ મથકના રૂા.૪૦ હજારની ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને મુંબઈ ચારકોપમાંથી એલ.સી.બી. એ ઝડપી પાડ્યો
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ), તા.૩
પોરબંદર શહેરના કીતિર્મંદિર પોલીસ મથકમાં વર્ષ ૨૦૦૦માં નોંધાયેલા સોનાના દાગીનાની ચોરીના ગુનામાં છેલ્લા ૨૬ વર્ષથી નાસતા ફરતા અને ગેઝેટ પ્રસિદ્ધ થયેલા આરોપીને પોરબંદર એલસીબીએ મુંબઈથી ઝડપી પાડ્યો છે. આરોપીને વધુ કાર્યવાહી માટે કીતિર્મંદિર પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, તા.૫-૯-૨૦૦૦ના રોજ ફરિયાદી મન્સુરઅલી ઉર્ફે બાબુભાઈ ગુલામ રહેમાન શેખ, રહે. કમલાબાગ રાજ કોમ્પ્લેક્ષ, પોરબંદરે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ આરોપી શોન્ટુ હબીબુર રહેમાન સોની બજારના પારેખ ચકલામાં આવેલી સોની કામની દુકાનમાં નોકરી કરતો હતો. દરમિયાન દુકાનમાંથી ૪૧ ગ્રામનો સોનાનો નેકલેસ, પેન્ડલવાળી બે સોનાની ચેઇન તથા ૨૦ ગ્રામ બફ પાઉડર મળી કુલ રૂા.૪૦,૦૦૦ની ચોરી કરી આરોપી ફરાર થઈ ગયો હતો. આ અંગે કીતિર્મંદિર પોલીસ મથકમાં ગુ.ર.નં. ફસ્ટ ૧૩૬/૨૦૦૦ હેઠળ આઈ.પી.સી. કલમ ૩૮૧ મુજબ ગુનો નોંધાયો હતો. લાંબા સમયથી ફરાર આરોપી અંગે ગેઝેટ પ્રસિદ્ધ કરવામાં આવી હતી તેમજ Cr.P.C. કલમ ૭૦ મુજબ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના અનુસાર નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એલસીબી ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે. કાંબરીયાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના એએસઆઈ રાજેન્દ્રભાઈ જોષી તથા હેડ કોન્સ્ટેબલ સલીમભાઈ પઠાણ તથા વિરેન્દ્રસિંહ પરમારને ખાનગી રાહે આરોપી અંગે બાતમી મળી હતી કે તે હાલ મહારાષ્ટ્રના મુંબઈ ખાતે ચારકોપ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સોનાના દાગીનાનું પોલિશિંગનું મજૂરીકામ કરે છે. બાતમીના આધારે એલસીબીના પોલીસ કર્મચારીઓની ટીમ મુંબઈના ચારકોપ ખાતે મોકલવામાં આવી હતી. તપાસ દરમિયાન ચારકોપ રોડ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બેલીમો રોડ નજીકથી આરોપી મળી આવતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપીની ઓળખ મહેબુબ હુસેન ઉર્ફે શોન્ટુ સ/ઓ હબીબર રહેમાન, ઉંમર ૪૮ વર્ષ, મૂળ રહે. બીટાસીન ગામ, તા. પાંડવા, જી. હુગલી, પશ્ચિમ બંગાળ, હાલ રહે. અંધેરી ઈસ્ટ, ઝુહુ ગલી ઝૂંપડપટ્ટી, મુંબઈ તરીકે થઈ છે. આરોપીને મુંબઈથી પોરબંદર એલસીબી કચેરી ખાતે લાવી વધુ કાર્યવાહી માટે કીતિર્મંદિર પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે. આરોપી સામે કીતિર્મંદિર પોલીસ મથકના ગુ.ર.નં. ફસ્ટ ૧૩૬/૨૦૦૦, આઈ.પી.સી. કલમ ૩૮૧ મુજબનો ગુનો નોંધાયેલ છે.


