બોગસ મંડળીઓનાં આધારે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડનો કબ્જાે કરવા કારસો

આગામી તા. ૯ સપ્ટેમ્બરનાં યોજાનારી યાર્ડની ચુંટણીમાં સત્તા કબ્જે કરવા ૩ થી ૪ જુથ મેદાને

બોગસ મંડળીઓનાં આધારે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડનો કબ્જાે કરવા કારસો

જૂનાગઢ તા. ૫
જૂનાગઢ જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા ગણાતી માર્કેટીંગ યાર્ડની આગામી સમયમાં યોજાનારી ચુંટણીમાં ‘સત્તા’ પ્રાપ્ત કરવા માટેના ખેલ શરૂ થતાં સહકારી ક્ષેત્રનાં રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ કબ્જે કરવા માટે ૩થી ૪ જુથ મેદાને આવ્યા છે. ઉપરાંત બોગસ મંડળીઓનાં આધારે યાર્ડ કબ્જે કરવા કારસો ઘડવામાં આવી રહયો હોવાનાં  ગંભીર આક્ષેપોનાં પગલે ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.
જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આગામી તા.૯ સપ્ટેમ્બરનાં રોજ ખેડુતો માટેની ૧૦, વેપારીની ૪ અને સંઘની ર બેઠકોની ચુંટણી થશે.  ચુંટણીનાં ધમધમાટ વચ્ચે સહકારી ક્ષેત્રમાં ભારે મોટો ગરમાવો આવી ગયો છે.
સહકારી ક્ષેત્રનાં પીઢ આગેવાનોએ કેટલાક ગંભીર  આરોપો લગાવ્યા છે જેમાં માર્કેટીંગ યાર્ડ પર ગેરકાયદે કબ્જાે જમાવવા માટે બોગસ મંડળીઓ ઉભી કરી બોગસ ખેડુત મતદારોનું નેટવર્ક ગોઠવવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરેલ છે. બીજી તરફ  માર્કેટીંગ યાર્ડ કબ્જે કરવા માટે અને ચુંટણીમાં પોતાના જ ઉમેદવારોની જીત થાય તે માટે  સોગઠા ગોઠવવામાં આવી રહયા છે.
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચુંટણીનાં છેલ્લા ૩ વર્ષનાં મતદારોની સરખામણીમાં ભારે મોટો ફેરફાર સામે આવ્યો છે. વર્ષ ર૦૧૧માં વેપારી મતદારો ૭પ૦ થી ૮૦૦ અને ખેડુત મતદારો માત્ર રરપ હતા. જયારે વર્ષ ર૦૧પમાં યોજાયેલી યાર્ડની ચુંટણીમાં વેપારી મતદારો ૮૦૦થી ૮પ૦ અને ખેડુત મતદારો રરપ નોંધાયા હતા. વર્ષ ર૦ર૦ માં કથિત બોગસ મંડળીઓનો ખેલ શરૂ થતાં વેપારી મતદારોની સંખ્યા માત્ર ૪૦૭ રહી છે અને ખેડુત મતદારોમાં વધારો થતાં ૯૭૭ મતદારો છે. દરમ્યાન ર૦ર૬માં હાલની મતદાર યાદીમાં વેપારી મતદારોની સંખ્યા માત્ર ૯૯ રહી છે. જયારે ખેડુત મતદારોનો આંકડો ૯પપ જાળવી રખાયો છે. આ ઉપરાંત ગત ચુંટણીમાં જે મતદારો હતા તેમાં પણ મોટો ફેરફાર થયો છે. સહકારી ક્ષેત્રનાં આગેવાનોના જણાવ્યા અનુસાર જે મંડળીને ધિરાણ ન મળે તેને નિયમ મુજબ મતદાર યાદીમાંથી બાકાત કરી દેવાઈ છે. આ નિયમનો દુરઉપયોગ કરીને જૂનાગઢ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક મારફત વિરોધી જુથની વર્ષો જુની અને કાયદેસરની મંડળીઓનું ધિરાણ અટકાવી દેવામાં આવ્યું છે. પરિણામે અગાઉ યાર્ડમાં ડીરેકટર રહી ચુકેલા પીઢ નેતાઓ આજે માર્કેટીંગ યાર્ડનાં સામાન્ય મતદાર પણ રહયા નથી તેવી સ્થિતી સર્જાણી છે.
જુના જાેગીઓનો આક્ષેપ છે કે, એક જુથ બોગસ મંડળીઓનો સહારો લઈને યાર્ડ પર એકચક્રી શાસન સ્થાપવા મથી રહયું છે. બીજીતરફ જાે કોઈ સાચા સહકારી કાર્યકરે ચુંટણી લડવી હોય તો બોગસ મંડળી બનાવનારાનો સહયોગ લેવો પડે તેમ છે. માર્કેટીંગ યાર્ડની ચુંટણીને લઈને દાવપેચ શરૂ થઈ ગયા છે. આધારભુત રીતે મળતી વિગત અનુસાર જૂનાગઢ સહકારી ક્ષેત્રનાં એસંતોષીત જુથનાં લોકો પણ યાર્ડનાં ચુંટણી જંગમાં ઝંપલાવે તેવી ગોઠવણ કરવામાં આવી રહી છે. વધુમાં આગામી દિવસોમાં જુના અને પીઢ નેતાઓને યોગ્ય પ્રતિનિધિત્વ અથવા પેનલમાં સ્થાન આપવામાં નહીં આવે તો જૂનાગઢ ભાજપ અને સહકારી ક્ષેત્રમાં ભારે બળવો થાય તેવી શકયતા છે. આ સાથે જ જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં શાસન કબ્જે કરવા માટેની હીલચાલ જાેરશોરથી ચાલી રહી છે. જેને લઈને રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. આગામી ૯ સપ્ટેમ્બરનાં રોજ યોજાનારી જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચુંટણી ખરાખરીનો ખેલ અને પ્રતિષ્ઠાનાં જંગ કરતા પણ યાર્ડમાં સત્તા મેળવવા માટેની દોડનો ભાગ બની જશે તેવું સહકારી ક્ષેત્રનાં નિષ્ણાંતોનું માનવું છે.