બીલખા નજીક સીમ વિસ્તારમાં સરકારી ખરાબાની જગ્યામાં સંતાડેલ દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો : 3 વિરૂધ્ધ ફરીયાદ

બીલખા નજીક સીમ વિસ્તારમાં સરકારી ખરાબાની જગ્યામાં સંતાડેલ દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો : 3 વિરૂધ્ધ ફરીયાદ

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા. 20
બીલખા પોલીસે બાતમીના આધારે બીલખા ગામે સીમ વિસ્તારમાં આવેલ સરકારી ખરાબાની જગ્યામાં પાણીના વોંકળામાં સંતાડેલ વિદેશી દારૂની 213 બોટલ, 3140 ચપટા અને 72 નંગ બીયર ટીન સહિત રૂા.5.92 લાખનો મુદ્દામાલ ઝડપી લઈ 3 વિરૂધ્ધ પ્રોહીબીશન અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર બીલખા પોલીસ સ્ટેશનના પીઆઇ એન. એન. ચુડાસમાની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે બીલખા ગામની પશ્ચિમ દિશાએ સીમ વિસ્તારમાં આવેલા જગુભાઈ ભોજકની વાડી પાસેના સરકારી ખરાબાના પાણીના વોકળામાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે.આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતા, ઝાડી-ઝાંખરામાં છુપાવેલી વિદેશી દારૂની પેટીઓ અને છૂટી બોટલો મળી આવી હતી. પોલીસે અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 213 બોટલો, 1471 નંગ ચપટા અને બીયરના 72 ટીન મળી કુલ રૂા.5,92,049નો મુદ્દામાલ કબ્જે કરી દારૂ મંગાવી વેચાણ કરનાર બીલખાના ઈન્દીરાનગર વિસ્તારમાં રહેતા કૌશિક હમીરભાઈ વાળા, ભગીરથ અમરૂભાઈ મોયા અને અજય હમીર વાળા વિરૂધ્ધ પ્રોહીબીશન કલમ 65એઈ, 116(બી), 81 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.