ભુજમાં ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ યોજાયો, યુવાનોને સર્જનાત્મકતા અને પત્રકારત્વ અંગે માર્ગદર્શન

પત્રકારત્વમાં સંવેદના, સત્ય અને સજ્જતા જરૂરી: કચ્છ યુનિવર્સિટીમાં સર્જકો સાથે યુવાનોનો સંવાદ

ભુજમાં ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ યોજાયો, યુવાનોને સર્જનાત્મકતા અને પત્રકારત્વ અંગે માર્ગદર્શન

ભુજ, તા. ૨૧:
યુવાનોમાં સર્જનાત્મકતા અને પત્રકારત્વ ક્ષેત્રે જરૂરી કૌશલ્ય વધુ મજબૂત બને તે હેતુથી ભુજ ખાતે ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર, જિલ્લા માહિતી કચેરી ભુજ-કચ્છ અને કચ્છ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે કચ્છ યુનિવર્સિટીના કોર્ટ હોલમાં ‘પત્રકારત્વની કેડીએ... યુવાનો અને સર્જકોનો સંવાદ’ વિષય પર આ કાર્યક્રમ યોજાયો હતો.
કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ જયેશ દવે, રાજકોટ અને જૂનાગઢ ઝોનના સંયુક્ત માહિતી નિયામક મિતેષ મોડાસિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ જયેશ દવેએ જણાવ્યું હતું કે, આજના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડિજિટલ યુગમાં માધ્યમો ભલે બદલાયા હોય, પરંતુ માનવીય સંવેદનાનો કોઈ વિકલ્પ નથી. તેમણે પત્રકારત્વ અને સાહિત્યમાં ભાષાની શુદ્ધતા, સત્ય અને સજ્જતા જાળવવા પર ભાર મૂક્યો હતો. સોશિયલ મીડિયાના સમયમાં દરેક વ્યક્તિ પોતાની રીતે માહિતી રજૂ કરી રહી છે ત્યારે જવાબદારીપૂર્વક અને સચોટ લેખન કરવું સમયની માંગ હોવાનું તેમણે જણાવ્યું હતું.
સંયુક્ત માહિતી નિયામક મિતેષ મોડાસિયાએ યુવાનોને સોશિયલ મીડિયાના આભાસી વિશ્વમાંથી બહાર આવી સર્જકો સાથે રૂબરૂ સંવાદ કરવા અને વિકસિત ગુજરાત તથા વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય ભાગીદારી કરવા આહ્વાન કર્યું હતું.
કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહન પટેલે યુવાનોની સાહિત્ય ક્ષેત્રે સહભાગિતા, લોકસંસ્કૃતિના જતન અને ટેક્નોલોજીના યુગમાં સાહિત્યિક મૂલ્યો જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કચ્છની ભૂમિને સાહિત્ય માટે ‘ઓપન લેબોરેટરી’ ગણાવી હતી અને યુવાનોને માત્ર પદ કે ડિગ્રી મેળવવા નહીં, પરંતુ સારા માનવી બનીને સમાજમાં યોગદાન આપવા પ્રેરણા આપી હતી.
કવિ અને કટાર લેખક જયન્તી જોશી ‘શબાબ’એ પત્રકારત્વમાં સત્ય અને જવાબદારીનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, પત્રકારનું કાર્ય સમાજ સુધી માહિતી અને જ્ઞાન પહોંચાડવાનું છે. અફવા અને અસત્ય ઝડપથી ફેલાતા સમયમાં પત્રકારોએ પૂર્વગ્રહથી મુક્ત, સમતુલિત અને સંવેદનશીલ રહીને સમાજમાં સત્યનો પ્રકાશ ફેલાવવો જોઈએ. તેમણે પત્રકારોને પોતાની કોઠાસૂઝથી અલગ કેડી કંડારવા અને સમ્યક માર્ગ અપનાવી પરિણામદાયક કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.
યુવા વાર્તાકાર અને કટાર લેખક અજય સોનીએ જણાવ્યું હતું કે, સર્જક કોઈ અલગ દુનિયાનો વ્યક્તિ નથી, પરંતુ પોતાના અનુભવોને કળામાં રૂપાંતરિત કરવાની ક્ષમતા ધરાવતો વ્યક્તિ છે. તેમણે કહ્યું હતું કે લેખન સતત અભ્યાસનો વિષય છે અને ઉત્તમ વાચન તથા સૈદ્ધાંતિક જ્ઞાન બાદ જ સર્જનાત્મક ક્ષેત્રે આગળ વધી શકાય છે.
ટેક્નોલોજી અંગે વાત કરતાં અજય સોનીએ જણાવ્યું હતું કે, આજની પેઢી મોબાઈલ અને ડિજિટલ માધ્યમો સાથે સતત જોડાયેલી છે. એ.આઈ. માનવીનો વિકલ્પ નહીં પરંતુ સહાયક મિત્ર છે. યુવાનો સમાજમાંથી મળતા વિચારો અને પ્રભાવોને પોતાની વિવેકબુદ્ધિથી ચકાસીને આગળ વધે તે જરૂરી છે.
કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ માટે સામાન્ય જ્ઞાન કસોટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી. પ્રશ્નોત્તરી દરમિયાન વક્તાઓએ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
આ કાર્યક્રમમાં કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અનિલ ગોર, ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડૉ. કાશ્મિરા મહેતા, ગુજરાતી વિભાગના વડા પ્રો. તીર્થંકરદાન રોહડિયા સહિત માહિતી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને ભાષા ભવનના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.