જૂનાગઢમાં સાંસદ રાજેશ ચુડાસમાના અધ્યક્ષસ્થાને ‘દિશા’ કમિટીની બેઠક, વિકાસકાર્યોની સમીક્ષા

યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે ઇનોવેટિવ અભિગમ અપનાવવા સૂચના, તાલુકા કક્ષાએ રમતગમતનાં મેદાનો વિકસાવવા પરામર્શ

જૂનાગઢમાં સાંસદ રાજેશ ચુડાસમાના અધ્યક્ષસ્થાને ‘દિશા’ કમિટીની બેઠક, વિકાસકાર્યોની સમીક્ષા

જૂનાગઢ, તા. ૨૧:
જૂનાગઢમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ એટલે કે ‘દિશા’ કમિટીની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ તેમજ જિલ્લામાં ચાલી રહેલા વિકાસકાર્યોની પ્રગતિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન સાંસદ રાજેશ ચુડાસમાએ માત્ર આંકડાકીય પ્રગતિને બદલે સરકારી યોજનાઓનો વાસ્તવિક લાભ ધરાતલ પર લોકો સુધી કેટલો પહોંચ્યો છે તેની ખાસ સમીક્ષા કરી હતી. જનકલ્યાણકારી યોજનાઓના માધ્યમથી લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
સાંસદે પાત્રતા ધરાવતો કોઈપણ નાગરિક કેન્દ્ર કે રાજ્ય સરકારની યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે વિશેષ પ્રયાસો કરવા સૂચના આપી હતી. સાથે જ યોજનાઓનો લાભ વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવા માટે પરંપરાગત પદ્ધતિઓ ઉપરાંત ઇનોવેટિવ અભિગમ અપનાવવા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિકાસકાર્યો અંગે સાંસદ રાજેશ ચુડાસમાએ સ્પષ્ટ સૂચના આપી હતી કે અનાવશ્યક વહીવટી પ્રક્રિયાના કારણે કોઈપણ વિકાસકાર્યમાં વિલંબ ન થાય તેની ખાસ કાળજી લેવામાં આવે. આગામી ‘દિશા’ કમિટીની બેઠકમાં વિવિધ વિકાસકાર્યોની પ્રગતિનો અહેવાલ રજૂ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી હતી.
બેઠકમાં જૂનાગઢ જિલ્લાના દરેક તાલુકામાં રમતગમતનાં મેદાનો વિકસાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ગામડાંની વસ્તી અને સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રમતગમત માટેની સુવિધાઓ ઊભી કરવા અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ લીનાબેન વિપુલભાઈ કાવાણી, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી અને જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ પણ વિકાસ અને જનકલ્યાણનાં કામોને વધુ વેગ મળે તે માટે રચનાત્મક સૂચનો રજૂ કર્યા હતા.
બેઠકમાં વિકસિત ભારત G RAM G અને મનરેગા, નેશનલ હાઈવે ઓથોરિટીના રસ્તાઓ, પીએમ કિસાન સન્માન નિધિ, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના, રેલવે પ્રોજેક્ટ, સ્વામિત્વ યોજના, મત્સ્યોદ્યોગ, નાબાર્ડ, સમાજ સુરક્ષા, પશુપાલન અને ખેતીવાડી સહિતની વિવિધ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
આ ઉપરાંત મધ્યાહ્ન ભોજન, શિક્ષણ, વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિ સહિતની યોજનાઓની પણ પ્રગતિની વિગતો મેળવવામાં આવી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.એ. જાડેજાએ બેઠકનું સંચાલન કરી ડીઆરડીએ સંલગ્ન યોજનાઓની વિગતો રજૂ કરી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠોડ, મ્યુનિસિપલ કમિશનર આઈ. આર. વાળા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.