ભાલકા તીર્થમાં શ્રી કૃષ્ણ ભગવાનને અમદાવાદના ભકતએ સવા બે કિલો ચાંદીનો કલાત્મક મુગટ અર્પણ કર્યા
ભાલકા તીર્થ ભગવાન શ્રી કૃષ્ણને તીર લાગેલ તે પ્રાચીન સ્થળએ આવેલું મંદિર છે...
(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ, તા.૧૬
ભગવાન શ્રી કૃષ્ણની પ્રભાસતીર્થ ખાતે આવેલી અત્યંત પ્રિય ભૂમિ એટલે ભાલકા તીર્થ. આ એ જ પવિત્ર સ્થાન છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણને પારધીએ વૈકુંઠની પ્રાપ્તિ કરાવી હતી અને દુનિયા સમક્ષ કર્મના સિદ્ધાંતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું હતું કે ભલે તેઓ સ્વયં જગતગુરૂ હોય, પરંતુ કર્મનું ફળ તો ભોગવવું જ પડે છે. આ મુગટ ભગાવન શ્રી કૃષ્ણના વિશેષ શૃંગારોમાં ઉપયોગમાં લેવામાં આવશે, ભગવાન ના અલૌકિક દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા. આવી દિવ્ય અને પાવન ભૂમિ પર આજરોજ ફાગણ વદ દશમ અને શનિવારના શુભ દિને અમદાવાદના ભકત યોગેશભાઇ પટેલના પરિવાર દ્વારા શ્રી કૃષ્ણને એક અત્યંત સુંદર મુગટ અર્પણ કરવામાં આવ્યો છે. સવા બે કિલો ચાંદી અને બારીક મીનાકામથી સુસજ્જ આ કલાત્મક મુગટ તૈયાર થવામાં ચાર માસ જેટલો સમય લાગ્યો હતો. દાતા પરિવાર દ્વારા ભક્તિભાવપૂર્વક અને વિધિવત રીતે આ મુગટ સોમનાથ ટ્રસ્ટને સુપ્રત કર્યો હતો. આ મંગલ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રો. જે.ડી. પરમાર દ્વારા દાતા પરિવારનું વિશેષ સન્માન કરવામાં આવેલ અને સંસ્થા વતી તેઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


