ગીર જંગલમાં નિયમોનાં થતા ઉલ્લંઘન મામલે પર્યાવરણ પ્રેમીઓનો મોર્ચો : વડાપ્રધાનને રજુઆત

ગીર જંગલમાં નિયમોનાં થતા ઉલ્લંઘન મામલે પર્યાવરણ પ્રેમીઓનો મોર્ચો : વડાપ્રધાનને રજુઆત

(બ્યુરો)        અમરેલી તા.13
એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા ગીર જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં પર્યાવરણીય નિયમોના ઉલ્લંઘનનો મોટો વિવાદ ઉઠવા પામ્યો છે. આ અંગે મળતી વિગત મુજબ, અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને વિવાદાસ્પદ મંજૂરીઓને લઈને ગુજરાત રાજ્ય વન્યજીવન બોર્ડના વર્તમાન અને પૂર્વ સભ્યો તેમજ પર્યાવરણ પ્રેમીઓએ મોરચો માંડ્યો છે. ગીરના સંરક્ષણ બાબતે ચિંતા વ્યક્ત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓને લેખિત પત્ર પાઠવી આ સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે. આ ગંભીર મુદ્દે અવાજ ઉઠાવનારાઓમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફના પૂર્વ સભ્ય અને જાણીતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ભૂષણ પંડ્યા, સ્નેહલ પટેલ - નેચર ક્લબ સુરત, એડવોકેટ રોહિત વ્યાસ, સી.ટી. રાણા, સુરેશ ભટ્ટ, સંજય કેલેયા અને રેવતુભા રાયજાદા સહિતના પર્યાવરણવિદો સામેલ છે.