માંગરોળના શેપા ગામે કાળજું કપાવી દેતી ઘટના  કૂવામાં પડી જતાં છ વર્ષના માસૂમ બાળકનું કરૂણ મોત

એકના એક દીકરાના અચાનક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું : પરિવારજનો ખેતરમાં મગફળી ઉપાડી રહ્યા હતા ને બાળક રમતા રમતા કૂવામાં પડી ગયું

માંગરોળના શેપા ગામે કાળજું કપાવી દેતી ઘટના  કૂવામાં પડી જતાં છ વર્ષના માસૂમ બાળકનું કરૂણ મોત
મૃતક - રિઝવાન

(પ્રતિનિધિ દ્વારા)
માંગરોળ તા.રર
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેપા ગામે કાળજું કપાવી દેતી ઘટના બની છે. છ વર્ષના માસૂમ બાળકનું કૂવામાં પડી જવાથી મોત નિપજ્યું છે. સમગ્ર પંથકમાં ગમગીન છવાઈ છે. આ સમગ્ર ઘટનાની જાણવા મળતી વિગતો એવી છે કે, માંગરોળ તાલુકાના શેપા ગામે રહેતા અબ્દુલભાઈ ખેબર બાજૂમા રબારીના ખેતરમા મગફળી ભાગ્યું વાવી કામ કરતા હતા. બુધવારની સાંજના સાત વાગ્યાની આસપાસ અબ્દુલભાઈ અને તેમના પરિવારજનો ખેતરમા મગફળી ઉપાડી રહ્યા હતા, તે દરમિયાન એમનો એકનો એક દિકરો રીઝવાન (ઉ.વ.૬) રમી રહ્યો હતો. પરિવાર પેટયું રડવા ખેતરમા વ્યસ્ત હોય ત્યાં કાળજાના કટકા સમાન દિકરો રમતા રમતા કૂવામાં પડી જતા કલેજામાથી ચીસો નિકળી પડી હતી. આજુબાજુના લોકો પણ દોડી આવેલ અને ભારે જહેમત બાદ બાળકને કૂવામાંથી બહાર કાઢવામાં આવેલ. માંગરોળની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવેલ. પરંતુ ઉપસ્થિત તબીબે માસૂમ બાળકને મૃત જાહેર કરતા પરીવાર ભાંગી પડ્યો હતો. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પરિવારના એકના એક દીકરા રિઝવાનના અચાનક મોતથી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. જે ઘરમાં માસૂમ બાળકની કિલકારીઓ ગુંજતી હતી, ત્યાં અચાનક માતમ છવાઈ ગયો છે. વહાલસોયા દીકરાને ગુમાવતાં પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે.છ વર્ષના માસૂમ બાળકના અકાળે અવસાનથી ગ્રામજનો પણ ઘેરા દુ:ખમાં ગરકાવ થયા છે. આ કરૂણ ઘટનાના સમાચાર મળતાં સંધી મુસ્લિમ સમાજના અગ્રણી ફારૂકભાઈ ભટ્ટી, ઘાંચી સમાજના દાઉદભાઈ ચુડલી, યુસુફભાઈ ચાંદ, યુસુફભાઈ ચુડલી સહીત અનેક આગેવાનો અને લોકો સરકારી હોસ્પિટલે દોડી ગયા હતા અને પરિવારજનો સાંત્વના આપી હતી.