માંગરોળ : અકસ્માતના રૂા. 11,28,860 વિમા સહાયનો ચેક મૃતકના પત્નીને અપાયો
(નિલેશ રાજપરા દ્વારા)
માંગરોળ તા.11
માંગરોળ બંદરે દસેક માસ પહેલા બોટમાં ચઢતી વખતે જમીન પર પટકાતા વલસાડના ખલાસી યુવાનનું મોત નિપજ્યું હતું. દરમ્યાન ઘરના આધારસ્તંભ એવા મૃતકના પરિજનોને વીમા કંપનીએ 11.28 લાખની વિમા સહાય ચુકવતા અત્યંત સાધારણ સ્થિતિ ધરાવતા પરિવારને આર્થિક રાહત મળી છે. મામલતદાર વી.ડી.મોરીએ સહાયનો ચેક મૃતકના પરિજનોને અર્પણ કરી આ રકમ યુવાનના બાળકોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે વાપરવા અનુરોધ કર્યો હતો. માંગરોળ બંદરે પરેશભાઈ દામાભાઈ ભાદ્રેચાની બોટ "રોજી કૃપા"(ૈંદ્ગડ્ઢ-ય્ત્ન-૧૧-સ્સ્-૩૩૦૮)માં વલસાડના માંદાના વતની સંદિપ જગનભાઈ કોલા(ઉ.વ.35) ખલાસી તરીકે કામ કરતા હતા. માછીમારીની કામગીરી દરમિયાન ગત તા.12-8-25ના રોજ કાંઠા પર રાખેલી બોટમાં સીડી ઉપર ચડતી વખતે દુર્ઘટનાવશ જમીન ઉપર પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન તા.19ના રોજ તેનું અવસાન થતાં પરિવાર પર આભ તુટી પડયું હતું. બોટ માલિક દ્વારા બોટમાં કાર્યરત ખલાસીઓનો વીમો ઉતારવામાં આવ્યો હતો. ઘટના અંતર્ગત બોટ માલિક તથા એજન્સીએ મૃતકના પરિવારના જરૂરી દસ્તાવેજો તાત્કાલિક એકત્રિત કરી વીમા કંપનીમાં રજૂ કર્યા હતા. મૃતકના પરિવારની આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઈ કંપનીએ ઝડપી કાર્યવાહી કરીને સંદીપના વિધવા પત્ની ચાંદનીબેનને રૂા.11,28,860/- ની વીમા સહાય મંજુર કરી ચુકવી આપી છે. આ સહાયનો ચેક માંગરોળના મામલતદાર હસ્તે મૃતકના પત્ની તથા પિતાને અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે મહાવીર મચ્છીમાર સહકારી મંડળીના પ્રમુખ દામોદરભાઈ ચામુડીયા, ધનસુખભાઈ ગોસીયા, બોટ માલિક, વીમા કંપનીના અધિકારીઓ તેમજ આગેવાનોએ મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.


