માંગરોળ પંથકમાંથી સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો

માંગરોળ પંથકમાંથી સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો

(નિલેશ રાજપરા દ્વારા)
માંગરોળ તા.ર૧
માંગરોળ પંથકમાં વધુ એક વાર સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો છે. તંત્રએ આરેણા પાસેથી એક રીક્ષામાંથી ઘઉં અને ચોખા મળી ૨૭૧ કિ.ગ્રા. અનાજ ઝડપી સરકારી ગોડાઉનમાં જમા કરાવ્યું છે. પુરવઠા નાયબ મામલતદાર જે.ડી.ભાદરકા અને ટીમે આરેણા ગામ પાસેથી પસાર થતી રિક્ષાને અટકાવી તપાસ હાથ ધરી હતી. જેમાંથી ૪૬ કિલો ઘઉં અને ૨૨૫ કિલો ચોખા મળી કુલ ૨૭૧ કિ.ગ્રા. સસ્તા અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. અનાજ ભરેલી રિક્ષા સહિત આશરે ૧.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. રીક્ષા મરીન પોલીસને સોંપવામાં આવી છે. ઝડપાયેલો અનાજનો જથ્થો સરકારી ગોડાઉનમાં જમા કરાવવામાં આવ્યો છે. રીક્ષાચાલકે પોતે અનાજની છુટક ખરીદી કરતો હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે પુરવઠા વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તંત્રએ પાત્રતા ધરાવતા રાશનકાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનેથી અનાજ લઈ તેનું બારોબાર વેચાણ ન કરવા તાકીદ કરી જણાવ્યું છે કે આ માટે ટીમ કાર્યરત હોય, રાશન બારોબાર વેચતા કોઈ ઝડપાશે તો તેનું અનાજ બંધ કરી દેવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે.