રાજકોટના હાર્દ સમા રેસકોર્સ ખાતે સ્વચ્છતા, એકતા અને સાંસ્કૃતિક વારસાનો અનોખો સંગમ સર્જાયો
૧૫૦૦થી વધુ છાત્રોએ ૪૦ હજાર ચો.ફૂટમાં માનવ સાંકળ થકી ભારતના નકશાકારની રચી પ્રાકૃતિક રંગોળી, પ્રધાનમંત્રીએ ‘માનવ સેવા, જન સેવા એ જ પ્રભુ સેવા’ના મંત્રને સેવા, સુશાસન અને રાષ્ટ્રનિર્માણનું અનોખું ઉદાહરણ પૂરૂ પાડ્યું : મંત્રી રીવાબા જાડેજા
રાજકોટ તા.૭
સ્વચ્છતા અભિયાન અંતર્ગત, રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતમાં રાજકોટના હાર્દ સમા રેસકોર્સ ખાતે સ્વચ્છતા, એકતા અને ભારતના સાંસ્કૃતિક વારસાને ૧૫૦૦થી વધુ છાત્રોએ આશરે ૪૦,૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં એકસાથે જોડાઈ ભારતના નકશા‘કારની વિશાળ માનવ સાંકળ રચી એકતામાં અનેક્તાની રાષ્ટ્રભાવનાનો એકા‘કાર સંગમ સર્જાયો હતો. આ અવસરે મંત્રીશ્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષની જીવનયાત્રા દરમ્યાન ‘માનવ સેવા, જન સેવા એ જ પ્રભુ સેવા’ના મંત્ર સાથે સેવા, સંકલ્પ, સુશાસન અને રાષ્ટ્રનિર્માણનું અનોખું ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. તેમણે જણાવેલ કે, ગુજરાતના મુખ્યમંત્રી બનવાથી લઈને દેશના વડાપ્રધાન બન્યા બાદ અવિરતપણે તેમણે ગરીબો, વંચિતો, મહિલાઓ અને યુવાનોના સશક્તિકરણને પ્રાથમિકતા આપી છે. ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ’ના મંત્ર સાથે જનધન, આયુષ્માન ભારત, આવાસ, લખપતિ દીદી સહિતની યોજનાઓના લાભ તમામ લોકો સુધી પહોંચ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત આજે ડિજિટલાઇઝેશન, સોલાર ઊર્જા, MSME અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે વિકાસનું મોડલ બની રહ્યું છે, જ્યારે દેશ વંદે ભારત, ભારતમાલા સહિતના માળખાગત પ્રોજેક્ટ્સથી નવી ગતિ મેળવી રહ્યો છે.
મહિલા સશક્તિકરણ, કન્યા કેળવણી, સ્વચ્છ ભારત, આર્ત્મનિભર ભારત અને ‘વિકસિત ભારત-૨૦૪૭’ જેવા સંકલ્પો પ્રધાનમંત્રીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વને દર્શાવે છે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આશરે ૩૩૦ ટ ૩૦૦ ફૂટના વિશાળ વિસ્તારમાં રચાયેલી આ માનવ સાંકળે ‘સ્વચ્છ ભારત’ સાથે એકતા અને જનભાગીદારીનો સંદેશ આપ્યો હતો. ૮૦ ફૂટના વિશાળ સર્કલમાં તૈયાર કરાયેલી પ્રાકૃતિક રંગોળી પણ વિશેષ આકર્ષણ બની હતી. અનાજ, બાંધણી અને વિવિધ પ્રકારની સાડીઓ સહિતની સામગ્રીના સર્જનાત્મક ઉપયોગથી તૈયાર કરાયેલી રંગોળીમાં સૌરાષ્ટ્રની આગવી કલા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાની ઝલક જોવા મળી હતી. સ્વચ્છતાના સંદેશ સાથે સૌરાષ્ટ્રની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતું આ આયોજન રાજકોટવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.


