રાહુલ ગાંધીના ધરણા બાદ સાહિલની ફરિયાદ પર દિલ્હી પોલીસની FIR, પેલેટ ગનથી ઈજા કરવાનો આરોપ
જંતર-મંતર પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીની આંખની દૃષ્ટિ ગુમાવવાનો દાવો; અજાણ્યા શખ્સ સામે કેસ, તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાશે
દિલ્હી તા.21
દિલ્હીમાં પેલેટ ગનથી વિદ્યાર્થીને ઈજા પહોંચાડવાના મુદ્દે રાજકીય ગરમાવો વચ્ચે દિલ્હી પોલીસે આખરે ફરિયાદના આધારે FIR નોંધી છે. જંતર-મંતર પર થયેલા પ્રદર્શન દરમિયાન ઘાયલ થયેલા વિદ્યાર્થી સાહિલની ફરિયાદને આધારે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સાહિલનો દાવો છે કે પ્રદર્શન દરમિયાન પેલેટ ગનના છરા વાગ્યા બાદ તેની આંખોની દૃષ્ટિ પર ગંભીર અસર થઈ છે.
આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારે દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની બહાર ધરણા પર બેઠા હતા. બપોરે આશરે 12.30 વાગ્યાથી શરૂ થયેલા આ ધરણા દરમિયાન રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું હતું કે પેલેટ ગનથી ઘાયલ થયેલા સાહિલની ફરિયાદ પર FIR નોંધાય નહીં ત્યાં સુધી તેઓ સ્થળ છોડશે નહીં. રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી, અધીર રંજન ચૌધરી, સલમાન ખુર્શીદ અને જયરામ રમેશ સહિતના કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા હતા.
રાહુલ ગાંધીએ સાહિલના શરીરમાંથી મળેલા પેલેટના છરાઓનો ઉલ્લેખ કરતાં પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમનું કહેવું હતું કે જો પોલીસ દ્વારા પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો ન હોય તો સાહિલને ઈજા પહોંચાડનાર કોણ હતું તે અંગે તપાસ થવી જોઈએ. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસ પર FIR ન નોંધવા માટે ઉપરથી દબાણ હતું.
મળતી માહિતી મુજબ, 20 જુલાઈના રોજ સંસદ માર્ચ દરમિયાન થયેલા વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થી સાહિલ ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ 14 ઓગસ્ટે તેણે દિલ્હી પોલીસ સમક્ષ લેખિત ફરિયાદ કરી હતી. રાહુલ ગાંધીના જણાવ્યા પ્રમાણે ફરિયાદ કર્યા બાદ પણ સાહિલને તેની ફરિયાદની નકલ આપવામાં આવી નહોતી. ત્યારબાદ 17 ઓગસ્ટે ઈમેઈલ અને ફોન મારફતે પોલીસને ફરિયાદ અંગે કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી હતી.
દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, સાહિલે પોતે ફરિયાદ નોંધાવી છે અને હવે આ ફરિયાદને 20 જુલાઈના પ્રદર્શન સંબંધિત અન્ય કેસોની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચને પણ મોકલવામાં આવશે. નવી દિલ્હીના DCP સચિન શર્મા રાહુલ ગાંધીના સંપર્કમાં હોવાનું પણ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
બીજી તરફ, આ સમગ્ર મુદ્દે ભાજપ તરફથી કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર રાજકીય પ્રહાર કરવામાં આવ્યા છે. ભાજપ મહાસચિવ સ્મૃતિ ઈરાનીએ સવાલ ઉઠાવ્યો કે રાહુલ ગાંધી પોલીસ પર થતા હુમલાઓ સામે કેમ અવાજ ઉઠાવતા નથી. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ પણ રાહુલ ગાંધીના ધરણાને વિદ્યાર્થીઓના ન્યાયના મુદ્દા કરતાં રાજકીય નિરાશા અને મીડિયાનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ ગણાવ્યો હતો.



