રૂા. 18 કરોડનાં ખર્ચે નવનિર્માણ થઈ રહેલા વાઘેશ્વરી તળાવનું કામ વહેલી તકે પૂર્ણ કરો

છેલ્લા બે વર્ષથી ગોકળગાયની ગતિથી ચાલતી કામગીરી : ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવા સત્યમ સેવા યુવક મંડળનાં પ્રમુખ મનસુખભાઈ વાજાની રજુઆત

રૂા. 18 કરોડનાં ખર્ચે નવનિર્માણ થઈ રહેલા વાઘેશ્વરી તળાવનું કામ વહેલી તકે પૂર્ણ કરો

જૂનાગઢ તા.3
જૂનાગઢ શહેરમાં ગીરનાર દરવાજા નજીક આવેલા વાઘેશ્વરી તળાવના નવનિર્માણની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાની રજુઆત જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંગળના પ્રમુખ મનસુખભાઈ વાજાએ કરી છે અને આ અંગે મનપાનાં મેયર તથા કમિશ્નરશ્રીને એક વિસ્તૃત પત્ર પાઠવી અને રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં વાઘેશ્વરી તળાવને આધુનિકતાના વાઘા સાથે ત્યાં બગીચો, બાળકો માટે હીચકા તેમજ અન્ય મનોરંજનના સાધનો મુકવામાં આવે તો શહેરને વધુ એક રમણ્ય સ્થાનની ભેટ મળશે તેમજ પ્રવાસીઓ માટે પીકનીકનું નવુ સ્થળ પણ ઉપલબ્ધ થશે અને જેથી કરીને ચોમાસા પહેલા જ વાઘેશ્વરી તળાવની કામગીરી પૂર્ણ કરી લેવાની માંગણી સાથે રજુઆત કરી છે.
જૂનાગઢ શહેરનાં ગીરનાર દરવાજા પાસે આવેલા ઐતિહાસીક વાઘેશ્વરી તળાવમાં કચરાના ગંજ ખડકાયા હતાં અને આ તળાવની ખુબ જ ખરાબ હાલત હતી. તેવા સમયમાં આજથી 20 વર્ષ પહેલા શ્રમયજ્ઞનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાની આગેવાની હેઠળ જૂનાગઢ શહેરની 51 સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ 1500થી વધુ જાગૃત સ્વયં સેવકોએ સાથે મળીને મોટો શ્રમ યજ્ઞ કર્યો હતો. સતત 3 મહીના સુધી મહેનત કરીને તળાવમાંથી હજારો ટન જમા થયેલો કાપ અને કચરો દુર કરવામાં આવ્યો હતો. તેમજ તળાવને ઉંડુ ઉતારવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. અનેક મહાનુભાવો, સામાજીક સંસ્થાઓ અને સંતોના આ સંયુકત પ્રયાસોને કારણે તળાવનું નામ બદલીને વાઘેશ્વરી તળાવ રાખવામાં આવ્યું હતું. અને વાઘેશ્વરી તળાવને નવસાધ્ય અને આધુનિક રીતે તેનુ નિર્માણ થાય તે માટેના પ્રયાસો પણ વેગવંતા બનાવ્યા હતાં. દરમ્યાન જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરનું આધુનિક નિર્માણ સાથે લોકાર્પણ કરાયા બાદ આજે શહેરની જનતા માટે નરસિંહ મહેતા સરોવર ફરવા માટેનુ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. તે જ રીતે વાઘેશ્વરી તળાવને પણ આધુનિક ઓપ આપવાની ખાસ જરૂરીયાત ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા વાઘેશ્વરી તળાવના નવનિર્માણ માટે રૂા. 18 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. અને તેના ભાગરૂપે વાઘેશ્વરી તળાવની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી શરૂ થયાને આશરે બે વર્ષ જેવો સમય થયો છે પરંતુ હજુ સુધી કામગીરી સંપન્ન થઈ નથી. દરમ્યાન ચોમાસાના દિવસો નજીક આવી રહયા છે ત્યારે વહેલી તકે વાઘેશ્વરી તળાવની કામગીરી પૂર્ણ થાય તે અત્યંત જરૂરી છે. અધુરા કામને વહેલી તકે પૂર્ણ કરવા માટે રજુઆત કરવામાં આવી છે. ગીરનાર જંગલ વિસ્તારમાંથી વહી આવતા શુધ્ધ વરસાદના પાણીનો સંગ્રહ કરવા આ તળાવ એક આર્શિવાદ સમાન સાબિત થઈ શકે છે. વરસાદી પાણીના વ્યાપક સંગ્રહને કારણે આસપાસનાં સમગ્ર વિસ્તારનાં ભૃર્ગભ જળના તળ ઉંચા આવશે. સ્થાનિક રહેવાસીઓની ડંકીઓ અને કુવાઓ ફરી સજીવન થશે અને પીવાના પાણીના પ્રશ્નો પણ હલ થશે. તેમજ તળાવને નયનરમ્ય બનાવવાની કામગીરી અંતર્ગત તળાવ પરીસરમાં આધુનિક બગીચો, બાળકો માટે હીચકા તેમજ અન્ય મનોરંજનના સાધનો મુકવામાં આવે તો વાઘેશ્વરી તળાવ શહેરનું વધુ એક રમણ્ય સ્થાનનું નજરાણુ બની શકે તેમ છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે વાઘેશ્વરી તળાવની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવે તેવી મનસુખભાઈ વાજાએ તંત્રને રજુઆત કરી છે.