વરવાળાના ચોરી થયેલા રૂા.સાડા પાંચ લાખ શોધી આપતી પોલીસ
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૭
ઓખા મંડળના વરવાળા સ્થિત એક આસામીના તાજેતરમાં ચોરી થયેલા રૂપિયા સાડા પાંચ લાખની નોંધપાત્ર રકમ પોલિસે આરોપી પાસેથી રીકવર કરી, જે-તે આસામીને સુપ્રત કરી છે. આ અંગેની વિગત મુજબ દ્વારકા તાલુકાના વરવાળા ગામે રહેતા વિનોદભાઈ ભીમજીભાઈ ગોહેલ નામના એક આસામીના વર્કશોપના કાઉન્ટરમાંથી તાજેતરમાં રૂપિયા સાડા પાંચ લાખ જેટલી રકમની ચોરી થયાનો બનાવ પોલીસ નોંધાયો હતો અને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ દ્વારકા પોલીસની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં આ પ્રકરણમાં પોલીસે આરોપી પાસેથી ચોરીની ઉપરોક્ત સાડા પાંચ લાખ જેટલી રકમ કબજે કરી, તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. આ પછી પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીને તમામ મુદ્દામાલ સોંપવામાં આવ્યો છે. ચોરી થયા બાદ આ નોંધપાત્ર રકમ ટૂંકા સમયગાળામાં પરત મેળવી, ઉપરોક્ત આસામીએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.


