વેરાવળ ચોપાટી ખાતે ભવ્ય ‘સમુદ્ર કિનારા સ્વચ્છતા અભિયાન‘નું આયોજન કરાયું

વેરાવળ ચોપાટી ખાતે ભવ્ય ‘સમુદ્ર કિનારા સ્વચ્છતા અભિયાન‘નું આયોજન કરાયું

(પ્રતિનિધિ દ્વારા)
વેરાવળ, તા.૧
સમુદ્ર પર્યાવરણની જાળવણી અને પ્લાસ્ટિક મુક્ત દરિયાકાંઠાના ઉમદા હેતુ સાથે, રિલાયન્સ ફાઉન્ડેશન અને કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ, વેરાવળ (કામધેનુ યુનિવર્સિટી)ના સંયુક્ત ઉપક્રમે આજે ૨૫ સપ્ટેમ્બર  ૨૦૨૬ના રોજ વેરાવળ ચોપાટી ખાતે એક વિશેષ ‘કોસ્ટલ ક્લીનઅપ ડ્રાઈવ’ (દરિયાઈ સફાઈ અભિયાન) નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ફિશરીઝ કોલેજના પ્રોફેસર ડો.જીતેશ સોલંકી અને ડો કેતન ટાંક, ફિશરીઝ કોલેજના વિદ્યાર્થીઓ, રિલાયન્સ ફાઉન્ડેશનના અમિતભાઈ મસાણી અને સ્થાનિક માછીમારો મોટી સંખ્યામાં જાેડાયા હતા. સવારના પ્રારંભિક કલાકોમાં જ ચોપાટી વિસ્તારમાંથી પ્લાસ્ટિકનો કચરો, જાળના ટુકડા અને અન્ય બિન-જૈવિક કચરો એકત્રિત કરી દરિયાકાંઠાને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો.
રિલાયન્સ ફાઉન્ડેશન અને ફિશરીઝ સાયન્સ કોલેજ, વેરાવળ. દ્વારા આ કાર્યક્રમને સુંદર આયોજન કરી પૂર્ણ કરવામાં આવેલ, દરિયાઈ જીવસૃષ્ટિનું રક્ષણ અને માછીમાર સમુદાયમાં સ્વચ્છતા અંગે જાગૃતિ માટે નો એક પ્રયાસ કરેલ, સાથે એક સંદેશ: ‘સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર‘ ના મંત્ર સાથે પ્રદૂષણ મુક્ત દરિયા કિનારાનું નિર્માણ.
આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડો બોરીચાંગરે જણાવ્યું હતું કે, "આગામી પેઢીના ફિશરીઝ પ્રોફેશનલ્સ તરીકે વિદ્યાર્થીઓ માટે આ પ્રકારના પ્રાયોગિક કાર્યો પર્યાવરણ પ્રત્યેની તેમની જવાબદારી સમજવામાં મદદરૂપ થાય છે." રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા દરિયાઈ પર્યાવરણ અને માછીમારોના હિતમાં લેવાતા આ પગલાને પણ બિરદાવ્યું હતું. આ કાર્યક્રમના અંતે એકત્ર થયેલ કચરાનો નગરપાલિકાના સહયોગથી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ અભિયાન દ્વારા પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોને પણ સમુદ્ર કિનારે કચરો ન ફેંકવા નમ્ર અપીલ કરવામાં આવી હતી.