વૈષ્ણોદેવી મેડિકલ કોલેજમાં ૮૫% મુસ્લિમ વિદ્યાર્થીઓના પ્રવેશથી હિન્દુ સંગઠનોમાં રોષ
કોલેજમાં નેશનલ મેડિકલ કાઉન્સિલની ગાઇડલાઈન્સ અનુસાર, નીટના મેરિટના આધારે એડમિશન ફાળવાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
શ્રીનગર, તા.૨૮
જમ્મુ-કાશ્મીરના કટરા સ્થિત શ્રી માતાવૈષ્ણોદેવી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એક્સિલેન્સમાં પ્રથમ બેચના એડમિશનને લઈને વિવાદ પેદા થયો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ) સાથે જાેડાયેલા સંગઠનોએ આક્ષેપ લગાવ્યો છે કે, આ મેડિકલ કોલેજમાં એડમિશન લેનાર લગભગ ૮૫ ટકા વિદ્યાર્થીઓ ફક્ત કાશ્મીરી મુસ્લિમ છે, જ્યારે સ્થાનિક હિન્દુ વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી છે. આ કારણોસર સંઘ પરિવાર સાથે જાેડાયેલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સહિતના સંગઠનોએ મુસ્લિમ વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવાની માંગની સાથે વિરોધ પ્રદર્શન કર્યા છે.જમ્મુ-કાશ્મીરના ભાજપના ઉધમપુરના ધારાસભ્ય આર.એસ.પઠાનિયાએ કહ્યું છે કે વૈષ્ણોદેવી મંદિરને મળેલા દાનમાંથી બનેલી મેડિકલ કોલેજમાં મુસ્લિમ વિદ્યાર્થીઓનું વર્ચસ્વ હોવું ઉચિત નથી. હિન્દુઓ માટે મેડિકલ કોલેજમાં સીટો અનામત રાખવી જાેઈએ. જાેકે, નિયમ પ્રમાણે, વૈષ્ણોદેવી મેડિકલ કોલેજ માઈનોરિટી કોલેજ નથી, એટલા માટે કોઈ પણ સમુદાય(ધર્મ) માટે અલગથી અનામત લાગુ થાય નહીં. આ ઘટનાક્રમની વચ્ચે ભાજપે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજસિંહાને આવેદન સોપ્યું છે અને મેડિકલ કોલેજમાં મોટી સંખ્યામાં મુસ્લિમ વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવાની માંગ કરી છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં વિપક્ષના નેતા સુનિલ શર્માએ કહ્યું કે, આ કોલેજમાં એક વિશેષ સમુદાયના બાળકોને પ્રવેશ અમને કોઈ પણ રીતે મંજૂર નથી. અમે અમારી નારાજગીથી ઉપરાજ્યપાલને વાકેફ કર્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, જમ્મુ-કાશ્મીર બોર્ડ ઓફ પ્રોફેશનલ એન્ટ્રન્સ એક્ઝામિનેશને કોલેજમાં કુલ ૫૦ વિદ્યાર્થીઓની યાદી બનાવી હતી, એમાંથી ૪૨ મુસ્લિમ વિદ્યાર્થીઓ છે અને ફક્ત આઠ હિન્દુ વિદ્યાર્થી છે. આ કારણોસર હવે વિવાદ પેદા થયો છે. જાેકે, કોલેજમાં નેશનલ મેડિકલ કાઉન્સિલની ગાઇડલાઈન્સ અનુસાર, નીટના મેરિટના આધારે એડમિશન ફાળવાયા છે. પરંતુ હિન્દુ સંગઠનોની માંગ છે કે આ કોલેજમાં ફક્ત હિન્દુઓને જ પ્રવેશ આપવામાં આવે.ભાજપનો અભિપ્રાય એવો છે કે વૈષ્ણોદેવી મેડિકલ કોલેજમાં ફક્ત એ જ બાળકોને પ્રવેશ આપવામાં આવે, જેમની શ્રદ્ધા વૈષ્ણોદેવીમાં હોય.વિપક્ષ નેતા શર્માના કહેવા મુજબ, ઉપરાજ્યપાલે તેમને ભરોસો આપ્યો છે કે એ વિશેષ સમુદાયના એડમિશન સંબંધિત મામલામાં ઉચિત કાર્યવાહી કરશે.


