સત્તા-સંપત્તિના લાલચુ નહી, સાચા સંતની અંબાજી મંદિરનાં મહંત તરીકે નિમણુંક કરો
તનસુખગીરી બાપુનો ફાયદો ઉઠાવવાનાં એકમાત્ર હેતુથી ઘણા લોકો તેમની આસપાસ મંડારાયેલા રહેતા હતા : જાગૃત નાગરીક
જૂનાગઢ તા. ર૭
ગરવા ગીરનાર ખાતે આવેલા અંબાજી માતાજી મંદિર તેમજ ભીડભંજન મહાદેવ મંદિરનાં મહંત પદનાં ૧૮ જેટલા દાવેદારોએ અરજીઓ કરી છે પરંતુ જીલ્લા કલેકટરને જૂનાગઢનાં ધર્મપ્રેમી અને જાગૃત નાગરીકે એક વિસ્તૃત પત્ર પાઠવીને મહંત તરીકે નિષ્ઠાવાન, ધાર્મિક અને યોગ્ય પૂજનીય સંતની નિમણુંક કરવા માંગણી કરી છે. આ પત્રમાં બ્રહ્મલીન પૂજનીય સંત
પૂ. તનસુખગીરી બાપુનાં સરળ સ્વભાવ અને માતાજી પ્રત્યેની ધાર્મિક લાગણીની પણ સરાહના કરી છે અને તેમની આજુબાજુ મંડાયેલા રહેતા લોકો કે જેમની નજર સંપત્તિ ઉપર જ રહેતી હતી તેવા કેટલાક લોકોની કરમલીલાનો પણ પર્દાફાશ કરતી રજુઆત કલેકટરને કરવામાં આવી છે. ત્યારે આ પત્રને લઈને ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.
ગીરનાર અંબાજી મંદિરનાં મહંત પૂ. તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ મહંત પદની નિમણુંક બાબતે ભારે વિવાદ ઉભો થયો હતો. એક તકે તો આ સમગ્ર મામલાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યુ હતું. તે દરમ્યાન આ ધાર્મિક જગ્યાનાં પ્રશ્ને સરકારે પણ ધ્યાનમાં લઈ અને જીલ્લા વહીવટી તંત્રની દરમ્યાનગીરી સાથે અંબાજી મંદિર, દત્ત શિખર અને ભીડભંજન મહાદેવ મંદિરમાં જે તે વખતે વહીવટદાર હસ્તક કાર્યભાર લઈ લીધો હતો. અને આ રીતે મામલો શાંત પાડવામાં આવ્યો હતો. નિર્ધારીત સમયની અવધી પુરી થતાં એક નિવિદા બહાર પાડવામાં આવી હતી અને ત્યારબાદ અંબાજી મંદિરનાં મહંત તરીકે દાવેદારો પાસે અરજીઓ માંગવામાં આવી હતી. નિયત સમય મર્યાદામાં ૧૮ અરજદારોએ મહંત પદ માટે દાવેદારી નોંધાવી છે અને પ્રથમ તબકકો પૂર્ણ થઈ ગયો છે. અને કોની મહંત તરીકે નિમણુંક થશે તે અંગે સાધુ-સંતો અને ધાર્મિક અને શ્રધ્ધાળુ લોકોમાં પણ ભારે ઉત્કંઠા રહેલી છે. દરમ્યાન જૂનાગઢનાં ધર્મપ્રેમી જાગૃત નાગરીકે જીલ્લા કલેકટર તેમજ સંબંધીત વિભાગને એક પત્ર પાઠવી અને ગંભીર આક્ષેપો સાથે રજુઆત કરવામાં આવી છે. એટલું જ નહી આ પત્રમાં એવું પણ જણાવેલ છે કે પૂ. તનસુખગીરી બાપુ પવિત્ર અને પૂજનીય સંત હતાં. ધર્મ પ્રત્યે અને સ્થાનની ગરીમા જળવાય તે રીતે તેઓની કામગીરી રહી છે. એકદમ ભોળા હૃદયના અને નિર્મળ એવા પૂ. તનસુખગીરી બાપુનો ફાયદો ઉઠાવવાનાં એકમાત્ર હેતુથી તેમની આસપાસ મંડરાયેલા રહેતા ઘણા લોકોની નજર સંપત્તિ પર જ હતી તેઓ ભંડાફોડ કર્યો છે તેમ જણાવી ખુબ જ ગંભીર પ્રકારનાં આક્ષેપો આ અરજીમાં કરેલા છે. આ ઉપરાંત અંબાજી માતાજીની શકિતપીઠ તેમજ ભીડભંજન મહાદેવ મંદિર સહીતની ધાર્મિક જગ્યા ઉપર એવા પૂજનીય સંતની નિમણુંક કરવી જાેઈએ કે જેઓ શિવ અને શકિતને સમર્પિત હોય, અન્યય ભાવથી સેવા કરે, અહી આવનારા ભાવિકો અને યાત્રાળુઓને મીઠો આવકાર આપે તેવા લાયક અને યોગ્ય પુજનીય સંતની નિમણુંક કરવાની માંગણી કરી છે. અંબાજી માતાજી મંદિર તેમજ ભીડભંજન મહાદેવ મંદિરની જગ્યા ઉપર સન્યાસી સંતોનો જ હકક છે. અને તેમાં કોઈ ગૃહસ્થી દાવેદારી કરે તો એ કાયદાની રૂએ અને પદના રૂએ પણ તદન ખોટી છે. જેથી જીલ્લા વહીવટી તંત્રના સમાહર્તા તરીકે કલેકટરને અનુરોધ કરી અને યોગ્ય પસંદગી કરવાનો અનુરોધ કરવામાં આવેલ છે.


