સુરતના ભૂતિયા ડિમોલિશનના પડઘા પડ્યા ગાંધીનગરમાં : ગુપ્ત રાહે તપાસના આદેશ જારી

સુરતના ભૂતિયા ડિમોલિશનના પડઘા પડ્યા ગાંધીનગરમાં : ગુપ્ત રાહે તપાસના આદેશ જારી

અમદાવાદ તા.12
સુરતના નાસીર નગર ખાતે તાજેતરમાં થયેલા વિવાદાસ્પદ ‘ભૂતિયા ડિમોલેશન’ મામલે હવે રાજ્યનું વહીવટી તંત્ર અને ગૃહ વિભાગ સફાળું જાગ્યું છે. કોઈ અદ્રશ્ય શક્તિના ઈશારે માત્ર ‘હાથો’ બનીને ડિમોલિશનની કામગીરી કરવા ગયેલા સુરત મહાનગરપાલિકા અને ર્જીંય્ના ઉચ્ચ અધિકારીઓ આ મામલે બરાબરના ભેરવાયા છે. હવે આ વિવાદના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા છે અને રાજ્ય સરકારે મામલાની ગંભીરતા જાેઈને અત્યંત ગુપ્ત રાહે આખી ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે. તેમજ મેયર સહિતના પદાધિકારીઓને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસે પોલીસ, મનપાના અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ 3 દિવસનું અલ્ટીમેટમ આપી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સૂત્રો પાસેથી મળતી ચોંકાવનારી વિગતો મુજબ નાસીર નગર ડિમોલેશન પાછળ સુરત મહાનગરપાલિકા અને પોલીસના કેટલાક અધિકારીઓએ સાથે મળીને કોઈની ‘સોપારી‘ ફોડી હોવાની વ્યાપક ચર્ચા અને ફરિયાદો ગાંધીનગર સચિવાલય સુધી પહોંચી છે. આ મામલામાં સ્થાનિક સ્તરે કોઈ ગોલમાલ ન થાય તે માટે ગૃહ વિભાગે ખૂબ જ વ્યૂહાત્મક પગલું ભર્યું છે. સુરત પોલીસના જ અધિકારીઓ આ શંકાના દાયરામાં હોવાથી સુરત પોલીસને આ સમગ્ર તપાસ પ્રક્રિયાથી સંપૂર્ણપણે બહાર રાખવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ સમગ્ર કૌભાંડની સત્ય હકીકત બહાર લાવવા માટે સુરત ગ્રામ્યના ઉચ્ચ પોલીસ અધિકારીને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. સરકારના આદેશ બાદ રેન્જ આઈજીની ટીમ અત્યંત ખાનગી રીતે સ્થાનિક સ્તરે ફોન કોલ્સ અને અન્ય માધ્યમો દ્વારા ડિમોલેશન પાછળની સાચી હકીકત અને કાવતરાના પુરાવા એકત્રિત કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ આ અંગેનો વિગતવાર ગુપ્ત રિપોર્ટ સીધો ગાંધીનગર ગૃહ વિભાગને સોંપવામાં આવશે. બીજી તરફ આ વિવાદ વકરતા જ ગાંધીનગરથી સુરત મહાપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓને એકાએક ગાંધીનગર હાજર થવા ફરમાન કરાયું હતું. જેને પગલે સુરતના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતા તાબડતોબ ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં ઉચ્ચ કક્ષાએ બંધ બારણે યોજાયેલી બેઠકમાં સરકારે આ તમામ પદાધિકારીઓ પાસેથી નાસીર નગર ડિમોલેશન અંગેની વિગતો અને સ્થાનિક સ્થિતિનો તાગ મેળવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર આ ‘ભૂતિયા ડિમોલેશન‘ પાછળનું અસલી સત્ય અને કોના ઈશારે આ ખેલ ખેલાયો તે જાણવા મક્કમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ સ્થાનિક ધારાસભ્ય વિનુ મોરડીયાએ મીડિયા સમક્ષ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું કે નાસીર નગરમાં જે ડિમોલેશન થયું છે તે SMCની સત્તાવાર ઓન-રેકોર્ડ કામગીરી નથી એટલે કે આ એક ‘ભૂતિયા ડિમોલેશન’ છે. તેમણે આ ગંભીર બેદરકારી અને ગેરરીતિ સામે ગાંધીનગર કક્ષાએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. વિનુ મોરડીયાના આ આક્રમક વલણ અને રજૂઆતો બાદ જ ગાંધીનગર હરકતમાં આવ્યું છે અને ગુપ્ત તપાસનો ધમધમાટ શરૂ કરાતા આગામી દિવસોમાં સુરતના અનેક મોટા માથાઓ ભીંસમાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. બીજી તરફ આ ગંભીર અને સંવેદનશીલ મુદ્દે હવે મુખ્ય વિપક્ષ કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ ઘટનાને ગરીબો વિરુદ્ધનું મોટું ષડયંત્ર ગણાવીને રાજ્ય સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે આ મામલે સરકારને ખુલ્લી ચેતવણી આપતા 3 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે જણાવ્યું કે નાસીર નગરમાં કોઈ પણ પ્રકારની કાયદેસરની નોટિસ આપ્યા વિના પોલીસ અને વહીવટી તંત્રની કથિત હાજરીમાં ગરીબોના ઘર તોડી પાડવામાં આવ્યા. હવે જ્યારે લોકો ન્યાય માંગી રહ્યા છે ત્યારે સુરત મહાપાલિકા કહે છે કે આ કામ અમારૂં નથી. જાે મહાપાલિકાએ આ ડિમોલિશન નથી કર્યું તો કાયદો-વ્યવસ્થાની ધજાગરા ઉડાવીને ગરીબોના ઘર ઉપર બુલડોઝર ફેરવી જનાર આ ‘મિસ્ટર ઈન્ડિયા’ કોણ છે ? આ કોઈ બિલ્ડર લોબી અને ભ્રષ્ટ બાબુઓ વચ્ચેના સોપારીકાંડ અથવા મોટા કૌભાંડ તરફ ઈશારો કરે છે. ગુજરાતમાં ભાજપના રાજમાં જે બિલ્ડરો છે, ભૂ-માફિયાઓ છે અને સરકારમાં બેઠેલા લોકોના મિલિભગતથી જે જમીનો પચાવી પાડવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે એને ક્યાંકને ક્યાંક સરકારમાં બેઠેલા લોકોની ભાગીદારી, સમર્થનથી આ ષડયંત્ર ચાલે છે. ઉદ્યોગપતિઓ હોય, મોટા લોકો હોય એના દબાણો ઉપર બુલડોઝર ના થાય પણ ગરીબોની જમીનો ઉપર એના ઘરો ઉપર બુલડોઝર ચલાવવામાં આવે અને સુરતમાં જે વેડરોડ વિસ્તારની ઘટના બની છે કે 29 તારીખે કોઈ પણ જાતની જાણ વગર, કોઈ પણ જાતની નોટિસ વગર, પોલીસ પ્રોટેક્શન એમાં પણ ખાસ કરીને એસઓજી અને એલસીબી જાતના કર્મચારીઓ-અધિકારીઓની હાજરીમાં બુલડોઝરો આવે છે અને ગરીબોના 100 કરતાં વધારે ઘરો તોડી પાડવામાં આવે છે. ફરી જ્યારે તપાસ કરવામાં આવે કે આ ડિમોલિશન કર્યું કોણે? તો કોઈ જવાબ નથી આપતું. મ્યુનિસિપલ કમિશનર એમ કહે છે કે અમે નથી કરાવ્યું, પોલીસ કમિશનર પણ કોઈ જવાબ નથી આપતા. આ પોલીસ પ્રોટેક્શન માંગ્યું કોણે ? એનો આજ દિન સુધી જવાબ નથી. અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આગામી ૩ દિવસમાં જે લોકોએ ખોટું ડિમોલિશન કર્યું છે, ભૂતિયા ડિમોલિશન કર્યું છે એની સામે પોલીસ ફરિયાદ કરો લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરો. જે પોલીસ અધિકારીઓએ ખોટી રીતે પોલીસ પ્રોટેક્શન આપ્યું છે અને જે કમિશનરના લોકો ઇન્વોલ્વ હોય એ બધા જ ઉપર એફઆઈઆર કરો. એમ કરવામાં નહીં આવે તો આવતા 3 દિવસ પછી પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ સુરત જશે અને ત્યાંના સ્થાનિક લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરીશું.