સૌરષ્ટ્ર-કચ્છમાં કાળજાળ ગરમી : 42.7 ડીગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર
(બ્યુરો) રાજકોટ, તા. ૨૪
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં મતદાન આડે હવે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે રાજયમાં ઠેર ઠેર આગ ઝરતી લું સાથે ધોમધખતો તાપ સુર્યદેવતા વરસાવી રહ્યા હોય જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને બપોરના સમયે રાજમાર્ગો અને બજારો સુમસામ થઇ જાય છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે ફરી એકવાર 42.7 ડિગ્રી સાથે રાજકોટ રાજયનું સૌથી ગરમ શહેર રહેવા પામ્યુ હતું. આ ઉપરાંત અમરેલીમાં 42.5, અમદાવાદમાં 41.5, ગાંધીનગરમાં 40, વડોદરામાં 39.8, ભાવનગરમાં 37.6, ભુજમાં 41.2, ડિસામાં 39.2, સુરતમાં 39.8 તથા દિવમાં 35, દમણમાં 35.2, કંડલામાં 36.9 અને વેરાવળ ખાતે 31.6 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતું. દરમ્યાન હવામાન વિભાગ અનુસાર, આજે 24 એપ્રિલથી રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દરિયાકાંઠાના વિસ્તારો માટે ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની ચેતવણી આપવામાં આવી છે, જેના કારણે નાગરિકોએ ભારે અસ્વસ્થતાનો સામનો કરવો પડી શકે છે.


