સાસણ ગીર અભ્યારણ વિસ્તારમાં ગેરકાયદેસર ધમધમતા હોટલ, રીસોર્ટ પર તંત્રનું બુલડોઝર
જૂનાગઢ તા. ૧
સાસણ ગીર અભ્યારણ વિસ્તારમાં ૩૮૭ ગેરકાયદેસર હોટલ અને રીસોર્ટ ધમધમી રહયા હોય જેને લઈને હાઈકોર્ટ દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાનો આદેશ જારી કર્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને ગેરકાયદેસર હોટલ, રીસોર્ટ તોડી પાડવા માટેની કાર્યવાહીનાં ભાગરૂપે ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુમાં મેંદરડાનાં ગડકીયામાં મામા દેવ ટ્રસ્ટ નામના રીસોર્ટનું ગેરકાયદેસર દબાણ દૂર કરી અને ૩ એકર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. મેંદરડા મામલતદાર નિલેશ વિસાણીએ જણાવ્યું હતું કે હાઈકોર્ટની સુચનાથી કલેકટર દ્વારા ગીર અભ્યારણ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ કરનારને નોટીસ આપી દબાણ દૂર કરવા સુચના આપી હતી. પરંતુ નોટીસનો સમયગાળો પુરો થયો છતાં દબાણો દૂર ન કરતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મામા દેવ ટ્રસ્ટ અંતર્ગત રીસોર્ટનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવેલ છે અને જમીન ખુલ્લી કરવામાં આવી છે. સાસણ ગીર અભ્યારણ વિસ્તારમાં ધમધમી રહેલા ગેરકાયદેસર હોટલ અને રીસોર્ટનાં સંચાલકોને નોટીસો પાઠવ્યા બાદ પણ દબાણો દૂર નહી કરતા તંત્ર એકશનમાં આવી ગયું છે અને દબાણો પર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ થઈ છે જેને લઈને ગેરકાયદેસર રીસોર્ટ ધરાવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


