ગીરગઢડા તાલુકાના ઇટવાયા ગામની સીમમાં બાજરાના પાકને પાણી વાળતા આધેડ ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યો
બાજુના ખેતરમાં કામ કરતા ખેડૂતો આવી આધેડ ખેડૂતને દીપડાના પંજામાંથી છોડાવી સારવાર માટે ખસેડાયા
(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.૧ર
ઉનાના ગીર ગઢડા તાલુકાના ઇટાવાયા ગામના આધેડ ખેડૂત બેચરભાઈ નાગજીભાઈ રામાણી (ઉ.વ.૫૫)નું ખેતર ઇટાવાયા ગામની સીમમાં હતીધાર વિસ્તારમાં આવેલ હોય ખેતરમાં બાજરાનું વાવેતર કરેલ હોય પાણી વાળતા હતા ત્યારે તેમના ખેતરમાં એક દીપડો શિકારની લાલચમાં આવી ચડી પાછળથી બેચરભાઈ ઉપર હુમલો કરી ન્હોર ભરાવી પછાડી દીધા હતા. બેચરભાઈએ રાડા રાડી કરતા બાજુના ખેતરમાં કામ કરતા શેઢા પાડોશી શિવલાલભાઈ અને વલકુભાઈ આવી દીપડાના પંજામાંથી બેચરભાઈને છોડાવી દીપડાને ભગાડી મુકેલ હતો અને તુરંત ગીર ગઢડા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જેમાં બેચરભાઈને આંખ નીચે પીઠ પાછળ, હાથ અને પેટ ઉપર ન્હોર ભરાવતા ઈજાઓ થઈ હતી. જ્યાં સારવાર આપેલ હતી. આ અંગે ગીર પૂર્વ વન વિભાગે જશાધાર રેન્જની કચેરી જશાધારને જાણ કરતા વન વિભાગના કર્મચારીઓ તુરંત હોસ્પિટલે પહોંચી ખેડૂતનું નિવેદન લઈ અને દીપડાને પકડવા પાંજરૂ મૂકેલ છે.
ઉના ગીર ગઢડા તાલુકામાં દીપડા અને સિંહના રેવન્યુ વિસ્તારમાં ધામ કરેલ હોય વારંવાર હુમલાના બનાવ વધે છે તો તુરંત દીપડા અને સિંહને જંગલમાં લઈ જાય તેવું લોકોની માંગણી છે.


