હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજ પર મિસાઈલ હુમલો, દ્વારકાના સલાયાના યુવકનું મોત
જહાજમાં સવાર 14 ભારતીય ખલાસીઓ પૈકી 13નો ઓમાન કોસ્ટ ગાર્ડે કર્યો સુરક્ષિત બચાવ; વિદેશ મંત્રાલયે વેપારી જહાજો પરના હુમલા તાત્કાલિક રોકવા અપીલ કરી
ઓમાન તા.3
હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજને નિશાન બનાવી મિસાઈલ હુમલો કરવામાં આવતાં ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક યુવકે જીવ ગુમાવ્યો છે. 2 નવેમ્બરના રોજ બનેલી આ ઘટનામાં જહાજમાં સવાર કુલ 14 ભારતીય ખલાસીઓ પૈકી 13ને ઓમાનના કોસ્ટ ગાર્ડ દ્વારા સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે મૃતકની ઓળખ સલાયાના રહેવાસી ગાંધાર નાહીમ અઝીઝ તરીકે થઈ છે.
મળતી માહિતી અનુસાર, MSV અલ જુસુફી નામનું જહાજ 31 ઓક્ટોબરના રોજ સંયુક્ત આરબ અમીરાતના હમરિયા બંદરેથી ગુજરાતના પોરબંદર તરફ જવા રવાના થયું હતું. દરમિયાન ઓમાનના લીમા બંદર નજીક જહાજ પર મિસાઈલ હુમલો થયો હતો. હુમલાને પગલે જહાજમાં આગ ફાટી નીકળતાં ખલાસીઓએ જહાજ છોડીને રેસ્ક્યૂ બોટમાં આશરો લીધો હતો. ઘટનાની જાણ થતાં ઓમાન કોસ્ટ ગાર્ડે તમામ ખલાસીઓને બચાવી સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. જોકે, ગંભીર રીતે અસરગ્રસ્ત નાહીમ અઝીઝને ખસાબ બંદરની હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે તેમનું મોત થયું હતું. હુમલો કોણે અને કયા કારણોસર કર્યો તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.
આ ઘટનાને પગલે ભારતીય વિદેશ મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયે વેપારી જહાજોને નિશાન બનાવવાની ઘટનાઓ તાત્કાલિક બંધ કરવાની અપીલ કરતાં જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર જહાજોની અવરજવર અને વૈશ્વિક વેપાર કોઈપણ અવરોધ વિના ચાલુ રહેવા જોઈએ.
નોંધનીય છે કે આ અગાઉ 29 ઓક્ટોબરના રોજ પણ હોર્મુઝ સ્ટ્રેટમાં 27 ભારતીય ખલાસીઓ ધરાવતા પનામાના ધ્વજવાળા MT લૂઇસ-1 નામના તેલ ટેન્કરને નિશાન બનાવવામાં આવ્યું હતું. જહાજની નજીક આવેલી એક નાની બોટમાંથી બે વિસ્ફોટકો લગાવવામાં આવ્યા હતા, જેના કારણે જહાજના એન્જિન રૂમમાં આગ લાગી હતી. જોકે, ક્રૂ મેમ્બર્સે આગ પર કાબૂ મેળવી લીધો હતો અને તમામ 27 ભારતીયો સુરક્ષિત રહ્યા હતા.
ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર, અમેરિકા અને ઈરાન વચ્ચે 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા સંઘર્ષ બાદ 30 ઓક્ટોબર સુધી પર્શિયન ગલ્ફ, હોર્મુઝ સ્ટ્રેટ અને ઓમાનની ખાડીમાં કુલ 122 જહાજો પર હુમલાની ઘટનાઓ નોંધાઈ છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપારી માર્ગોમાંથી એક હોવાથી અહીંની અસ્થિરતા વૈશ્વિક તેલ પુરવઠા અને આંતરરાષ્ટ્રીય વેપારને અસર કરી શકે છે. આ મુદ્દે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે G20 દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દરિયાઈ માર્ગો પરના હુમલાની અસર ખાસ કરીને ગરીબ અને વિકાસશીલ દેશો પર પડી શકે છે, જેના કારણે પેટ્રોલ-ડીઝલ, ખાદ્યપદાર્થો અને ખાતરના પુરવઠા તેમજ કિંમતો પર અસર થવાની સંભાવના છે.


