અરબી સમુદ્રમાં લક્ષદ્વિપ નજીકથી રૂા.૩૦૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું : પાંચ પાકિસ્તાનીઓની ધરપકડ
કોસ્ટ ગાર્ડ અને એટીએસની સંયુક્ત કાર્યવાહીમાં પર૬ કિલો હેરોઈન અને મેથામ્ફેટામાઈટ ડ્રગ્સ ઝડપાયું
(એજન્સી) નવી દિલ્હી તા.૩૦
અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ નજીક કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSના સંયુક્ત ઓપરેશનમાં ૩૦૦૦ કરોડ રૂપિયાના ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. મળતી માહિતી મુજબ, ઓપરેશન દરમિયાન આશરે ૫૨૬ કિલો હેરોઈન અને મેથામ્ફેટામાઈન જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિમત રૂ.૩,૦૦૦ કરોડથી વધુ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન પાંચ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, ગુજરાત ATS, સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી અને અન્ય ગુપ્તચર એજન્સીઓના ઇનપુટના આધારે ભારતીય કોસ્ટ ગાર્ડે લક્ષદ્વીપની પશ્ચિમે અરબી સમુદ્રમાં એક શંકાસ્પદ ઈરાની જહાજને ટ્રેક કર્યું હતું.
જહાજની સતત દેખરેખ અને ટ્રેકિગ બાદ કોસ્ટ ગાર્ડની ટીમે વ્યૂહાત્મક રીતે જહાજ પર બોડિર્ગ કરીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.
ઓપરેશનમાં કુલ ૫૨૬ કિલો હેરોઈન અને મેથામ્ફેટામાઈન જપ્ત કરવામાં આવ્યું હોવાની માહિતી છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિમત રૂ.૩,૦૦૦ કરોડથી વધુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સાથે જ જહાજમાં સવાર પાંચ પાકિસ્તાની ક્રૂ સભ્યોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેમની પાસેથી મળેલી માહિતી અને દાણચોરીના નેટવર્ક અંગે બહુ-એજન્સી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પકડાયેલા જહાજ અને પાંચેય ક્રૂ સભ્યોને વધુ તપાસ અને કાયદાકીય કાર્યવાહી માટે મુંબઈ લઈ જવામાં આવ્યા છે. વિવિધ એજન્સીઓ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.તપાસ દરમિયાન ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો હતો, તેને ક્યાં પહોંચાડવાનો હતો અને આ નેટવર્ક સાથે અન્ય કોણ-કોણ સંકળાયેલું છે તે અંગેની વિગતો સામે આવી શકે છે.


