શેરબજારમાં હાહાકાર : સેન્સેકસમાં ૧૮૦૦ પોઈન્ટનો કડાકો
(એજન્સી) મુંબઈ તા.૧૯
મધ્યપૂર્વમાં વધતા યુદ્ધના તણાવે ભારતીય બજારની કમર તોડી નાખી છે. શેરબજારમાં આજે તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ આશરે ૧૮૦૦ પોઈન્ટ (૨.૩૫%) ઘટીને ૭૪,૯૦૦ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં પણ ૫૪૦ પોઈન્ટ (૨.૨૦%) નો ઘટાડો જોવા મળ્યો છે, તે ૨૩,૨૫૦થી નીચે આવી ગયો છે. આજે બેન્કિંગ અને ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી છે.
બજારમાં આ હાહાકાર પાછળનું સૌથી મોટું કારણ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા ૨૦ દિવસથી ચાલી રહેલ યુદ્ધ છે. આ યુદ્ધ શાંત થવાને બદલે વધુ વધ્યું છે.
જિયોપોલિટિકલ તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓથી મોંઘવારીમાં વધારો થવાનું જોખમ રહે છે. આનાથી કોર્પોરેટ નફામાં ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ રોકાણકારો તેમના શેર વેચવાનું અને સુરક્ષિત સ્થળોએ રોકાણ કરવાનું શરૂ કરે છે, જેના કારણે બજારમાં ઘટાડો થાય છે.
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલ યુદ્ધ હવે એક મોટા તેલ યુદ્ધમાં ફેરવાઈ રહ્યું છે. ખાડી દેશોમાં તેલ અને ગેસ ક્ષેત્રો પર ધનાધન મિસાઈલ હુમલાઓને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે, જેમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ અચાનક ૧૧૩ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે. આનાથી એશિયન શેરબજારોમાં હાહાકાર મચ્યો છે, અને ભારતીય શેરબજાર ખુલતાની સાથે જ ધડામ થઈને તૂટી પડ્યું છે.


