જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સન ફાર્માસ્યુટિકલ્સના સહયોગથી કાર્યરત બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ ક્લિનિકમાં બે માસમાં કુલ ૯૯૧ મહિલાઓએ કરાવી સ્તનના કેન્સરની તપાસ

ઓક્ટોબર માસમાં ‘બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ‘ એટલે કે સ્તનના કેન્સરના જાગૃતિ માસ અંતર્ગત જૂનાગઢ સિવિલ હોસ્પિટલ દ્વારા વધુને વધુ મહિલાઓને સ્તનના કેન્સરની તપાસ કરાવવા નમ્ર અપીલ છે : સ્વસ્થ નારી થકી સ્વસ્થ પરિવાર અને સ્વસ્થ સમાજનું નિર્માણ

જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સન ફાર્માસ્યુટિકલ્સના સહયોગથી કાર્યરત બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ ક્લિનિકમાં બે માસમાં કુલ ૯૯૧ મહિલાઓએ કરાવી સ્તનના કેન્સરની તપાસ

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર
સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ ક્લિનિક ૧ ઓગસ્ટ ૨૦૨૬ થી કાર્યરત કરવામાં આવેલ છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે માસમાં કુલ ૯૯૧ મહિલાઓ એ બેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ ક્લિનિક અંતર્ગત સિવિલ હોસ્પિટલ તથા જૂનાગઢ શહેરમાં તથા આસપાસના વિસ્તારમાં કરવામાં આવેલ એનસીડી ટીમ સાથેના કેમ્પમાં તપાસ કરાવેલ છે તથા તેમાં કુલ ૧૬ બહેનોનું સ્ક્રિનિંગ પોઝિટિવ આવેલ છે તેની વધુ તપાસ કરતા ચાર બહેનો કેન્સરની સારવાર હેઠળ છે. ઓક્ટોબર માસમાં બેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ એટલે કે સ્તન કેન્સર જાગૃતિ માસ તરીકે કામગીરી કરવામાં આવે છે. તમામ ૩૦ વર્ષથી વધુ ઉંમરની માતાઓ બહેનોને નમ્ર વિનંતી છે કે બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ ક્લિનિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગની ઓપીડી રૂમ નંબર ૧૦૧ પહેલા માળે કાર્યરત છે અને તેનો સમય સવારે ૯ થી બપોરે ૧ અને સાંજે ચાર થી છ વાગ્યા સુધીનો છે. આ તપાસ સંપૂર્ણ રીતે પીડા રહિત છે અને તપાસ કરાવનાર બહેનોની પ્રાઇવસી જળવાઈ રહે તેનું પૂરેપૂરૂ ધ્યાન રાખવામાં આવે છે તથા આ તપાસ સંપૂર્ણ રીતે નિ:શુલ્ક છે. વધુમાં જણાવવાનું કે સ્તનના કેન્સરનું જો સમયસર નિદાન થાય તો તેની સંપૂર્ણ સારવાર અને ઈલાજ શક્ય છે. મહિલાઓના સ્વાસ્થ્ય અંતર્ગત કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓ તથા મહિલા સંગઠનોને પણ નમ્ર વિનંતી છે કે આપના વિસ્તારમાં સ્તનના કેન્સરના સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન આપના અનુકૂળ તારીખ અને સમય પ્રમાણે અત્રેથી નિશુલ્ક કરી આપવામાં આવશે. તેના માટે સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવો. ઓક્ટોબર માસમાં વધુને વધુ મહિલાઓને સ્તનના કેન્સરની તપાસ કરાવવા નમ્ર વિનંતી છે. જેથી સ્વસ્થ મહિલાઓ દ્વારા સ્વસ્થ પરિવાર અને સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે.