દેશભરમાં આવશ્યક વસ્તુ અધિનીયમ લાગુ કરાયો
(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
મધ્યપૂર્વમાં ઈરાન-ઈઝરાયલ-અમેરીકા વચ્ચે ફાટી નીકળેલ યુધ્ધને પગલે વિશ્વભરમાં ઈંધણ કટોકટી સર્જાઈ ગઈ છે. યુધ્ધની જાળ હવે ભારત સુધી પણ પહોંચી ગઈ છે. અને દેશભરમાં એલપીજી રાંધણગેસના પુરવઠા પર અસર પડી છે. તેથી દેશભરમાં સ્થિતિ વધુ વણશે નહીં તે માટે કેન્દ્ર સરકારે એક તાકિદનું પગલુ ભરીને આજે દેશભરમાં આવશ્યક વસ્તુ અધિનિયમ લાગુ કરી દીધો છે. દેશની તમામ રીફાઈનરીઓને એલપીજીનું ઉત્પાદન વધારવાનો નિર્દેશ આપ્યો છે. દેશવ્યાપી ધોરણે એલપીજી આપુર્તિ સુનિશ્ચિત કરવા માટે સરકારે આ મોટો નિર્ણય કર્યો છે. વિશ્વવ્યાપી તેલ-ગેસ સંકટના પગલે સરકારને આ નિર્ણય કરવાની ફરજ પડી છે.
બીજી તરફ એલપીજી સંકટના મામલે વિપક્ષોએ સરકાર પર પલટવાર કર્યો છે અને જણાવ્યું છે કે, સરકાર પર પણ આવશ્યક સેવા અધિનિયમ લાગુ કરવો જાેઈએ કારણ કે, સરકાર પોતે જ આવશ્યક સેવાઓ આપી રહી નથી.
મધ્ય પૂર્વમાં સર્જાયેલી યુધ્ધની પરિસ્થિતિના કારણે ક્રુડ તેલ અને ગેસના પુરવઠાને મોટી અસર થઇ છે અને એક તરફ સરકારે ઘરેલું ગેસમાં ભાવવધારો કર્યો છે અને કોમર્શીયલ ગેસને પણ મોંઘા બનાવ્યા છે તથા હાઉસહોલ્ડ એલપીજીના બુકીંગના નિયમો પણ ફેરવ્યા છે.
નેશનલ રેસ્ટોરન્ટ એસો. ઓફ ઇન્ડિયા પેટ્રોલિયમ મંત્રાલયને એક પત્ર લખીને કોમર્શીયલ ગેસ સીલીન્ડરની અછતના કારણે જે અભૂતપૂર્વ પરિસ્થિતિ ઉભી થઇ છે તેના સંદર્ભમાં તાત્કાલીક કેન્દ્ર સરકારની દરમ્યાનગીરી માંગી છે.
દેશભરમાં પાંચ લાખથી વધુ રેસ્ટોરાઓ માટે આ ૧૯ કિલોના ગેસ સીલીન્ડર એ ઇંધણનો મહત્વપૂર્ણ પુરવઠો બની ગયો છે અને યુધ્ધના કારણે ગેસની સપ્લાય જે રીતે મર્યાદિત બની છે તેમાં સરકારે ઘરેલું માંગને પહોંચી વળવા માટે કોમર્શીયલ ગેસ સીલીન્ડરના પુરવઠાને બંધ કરતાં કે મર્યાદિત કરતાં તેના કારણે હોટલ-રેસ્ટોરા ઉદ્યોગો પર મોટી આફત સર્જાઈ ગઈ છે.


