આગામી નવા નાણાકીય વર્ષથી ગોલ્ડ લોનની જેમ જ હવે સીલ્વર લોન મળશે

આગામી નવા નાણાકીય વર્ષથી ગોલ્ડ લોનની જેમ જ હવે સીલ્વર લોન મળશે

(એજન્સી)              મુંબઈ, તા.૮
સોનાની જેમ ચાંદી પણ ગીરવે મુકીને લોન લેવાની સુવિધા આપવાના ર્નિણય બાદ હવે રિઝર્વ બેન્ક દ્વારા નિયમો સાથેની માર્ગદશિર્કા જારી કરવામાં આવી છે. ૧ એપ્રિલ-૨૦૨૬ થી તેનો અમલ થશે અને તેના આધારે ચાંદી પર લોન લેવાનું સરળ બની જશે.
ચાંદીની કિંમતમાં વધુ અસ્થિરતા રહેતી હોવાથી અને ગુણવતા ચકાસણી મુશ્કેલ હોવાથી અત્યાર સુધી ચાંદી સામે લોન આપવાની જોગવાઈ હતી નહીં. પરંતુ હવે નિયમમાં બદલાવ કરીને તેનો સમાવેશ કરાયો છે. 
નવા નાણાંકીય વર્ષથી બેંકો તથા બીન સરકારી નાણા સંસ્થાઓ ચાંદીના દાગીના અથવા ચાંદીના સિકકા-પાટ-આર્ટીકલ્સ સામે લોન આપી શકશે. રિઝર્વ બેન્ક દ્વારા ઈસ્યુ કરાયેલા પરિપત્રમાં જણાવાયા મુજબ સોનામાં મહતમ એક કિલો સામે લોનની મર્યાદા છે. તેમ ચાંદી ૧૦ કિલો સુધી ગીરને મુકીને લોન લઈ શકાશે. સોનાના સિકકા માટે લોન મર્યાદા ૫૦ ગ્રામ સુધીની છે જે ચાંદીનાં સિકકા માટે ૫૦૦ ગ્રામ રાખવામાં આવી છે.
ચાંદીની લોન તમામ સરકારી બેંકો, સ્મોલ ફાઈનાન્સ તથા પ્રાદેશીક ગ્રામીણ બેંન્કો ઉપરાંત બીન સરકારી નાણા સંસ્થાઓમાંથી મેળવી શકાશે. સરકારી બેંકો તથા હાઉસીંગ ફાઈનાન્સ કંપનીઓ પણ લોન આપી શકશે.