પેપર લીક અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે ભીમ આર્મી દ્વારા દેશવ્યાપી આંદોલનની જાહેરાત
(એજન્સી) નવી દિલ્હી તા.22
પેપર લીકના સતત સામે આવતા બનાવો અને દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ ઉપર થયેલા પોલીસ લાઠીચાર્જના વિરોધમાં ભીમ આર્મી તથા આઝાદ સમાજ પાર્ટીએ દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા ઉપર જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 25 જુલાઈએ દેશભરના જિલ્લા મથકો ઉપર સંગઠનના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરશે.
આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, ભીમ આર્મીના વડા અને નગીના લોકસભા બેઠકના સાંસદ ચંદ્રશેખર આઝાદે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના પ્રશ્નોને દબાવી શકાય નહીં અને આ લડાઈ હવે નિર્ણાયક દિશામાં આગળ વધશે. દેશભરના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોને આંદોલનની તૈયારી કરી રહ્યા છે.


