યુધ્ધ અને નબળુ ચોમાસુ : ભારત માટે બેવડુ સંકટ

કૃષી ક્ષેત્રને ફટકો પડશે : વીજ અને જળ સંકટ સર્જાઈ શકે

યુધ્ધ અને નબળુ ચોમાસુ : ભારત માટે બેવડુ સંકટ

નવી દિલ્હી, તા.30
પશ્ચીમ એશિયામાં યુધ્ધ સંકટથી વધતી મોંઘવારી વચ્ચે હવે ચોમાસુ પણ નબળુ રહેવાની આગાહીથી ભારત માટે નવો પડકાર સર્જાવાના ભણકારા છે. નબળા ચોમાસાથી કૃષિક્ષેત્ર અને અર્થતંત્ર પર નવું સંકટ સર્જાવાની આશંકા છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા ચોમાસુ અગાઉના અનુમાન કરતાં પણ વધુ નબળુ રહેવાની આગાહી કરી જ છે અને એવી શંકા દર્શાવી છે કે છેલ્લા 11 વર્ષનું સૌથી નબળું ચોમાસુ રહેશે. ઓછા વરસાદના સંજોગોમાં કૃષિ ક્ષેત્રને તો તગડો ઝટકો લાગશે. સાથોસાથ જળાશયોમાં પર્યાપ્ત પાણી નહીં આવવાના કારણે પીવાના પાણી તથા વિજ ઉત્પાદન મામલે પણ ચિંતા સર્જાય શકે છે.
હવામાન વિભાગના વડા મૃત્યુંજ્ય મહાપાત્રએ સ્પષ્ટ કર્યું હતું કે દેશભરમાં જુન મહિનાનો વરસાદ સરેરાશ કરતાં ઓછા રહેવાની શક્યતા છે, ચોમાસાની એન્ટ્રી પણ વ્હેલી થવાને બદલે હવે આવતા સપ્તાહમાં થવાની સંભાવના છે. પશ્ચિમી પ્રશાંતમાં ઉદભવી રહેલા વાવાઝોડા તથા લક્ષદ્વીપમાં સાયકલોનિક સરક્યુલેશન કારણરૂપ છે. ચોમાસા પર અલનીનોને પ્રભાવ પણ પડી શકે છે.