શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં આકસ્મિક પ્રચંડ વિસ્ફોટ : ૯ના મોત
મૃતકોમાં પોલીસ, એફએસએલ અને રેવન્યુ અધિકારીઓ, સરકારી ફોટોગ્રાફર-વિડીયોગ્રાફરનો સમાવેશ
(એજન્સી) શ્રીનગર તા.૧૫
ફરીદાબાદ-ગુજરાતમાંથી પકડાયેલા મોતના સામાન તથા દિલ્હી બ્લાસ્ટનાં પડઘા હજુ થમ્યા નથી ત્યાં કાશ્મીરનાં શ્રીનગરમાં નૌગામ પોલીસ સ્ટેશનમાં આકસ્મિક પ્રચંડ વિસ્ફોટ થતા પોલીસ ઈન્સ્પેકટર સહીત ૯ લોકોના મોત નીપજયા હતા. જયારે ૩૨ લોકો ઘાયલ થયા છે.
પોલીસ સ્ટેશનમાં ફરીદાબાદમાંથી પકડાયેલા એમોનીયા નાઈટ્રેટની ચકાસણી કરવામાં આવી રહી હતી ત્યારે એકાએક ભયાનક ધડાકા શરૂ થઈ ગયા હતા.પોલીસ સ્ટેશન સંકુલ તથા આસપાસ પડેલા વાહનો પણ આગની લપેટમાં આવી ગયા હતા.
સુરક્ષા સુત્રોએ કહ્યું કે, તાજેતરમાં કાશ્મીર પોલીસે પકડાયેલા ષડયંત્ર અંતર્ગત ફરિદાબાદમાંથી ૨૯૪૦ કિલો એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કરવામાં આવ્યુ હતું અને શ્રીનગરનાં નૌગામ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યુ હતું. ગઈરાત્રે સરકારી તંત્ર દ્વારા તેનું ચેકીંગ કરવામાં આવ્યુ હતું અને તે દરમ્યાન એકાએક ભયાનક વિસ્ફોટ શરૂ થઈ ગયા હતા.
આ આકસ્મિક વિસ્ફોટ વખતે પોલીસ ઉપરાંત
એફએસએલ તથા રેવન્યુ અધિકારીઓ સહીત ૫૦ જેટલા લોકોનો સરકારી સ્ટાફ મૌજુદ હતો.ફોટાગ્રાફી તથા વીડીયોગ્રાફી પણ કરવામાં આવી રહી હતી. એટલે ફોટોગ્રાફર-વિડીયોગ્રાફી પણ મૌજુદ હતા. ૯ લોકોના મોત નીપજવા ઉપરાંત ૩૨ લોકો ઘાયલ થયા છે. જેઓને સારવાર માટે જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


