સેટેલાઇટ બનાવવું હવે બન્યું સરળ! ડો. સુભાષ યુનિવર્સિટી ખાતે “ક્યુબ-સેટ: જેનેસીસ” વર્કશોપનું સફળ આયોજન

સેટેલાઇટ બનાવવું હવે બન્યું સરળ! ડો. સુભાષ યુનિવર્સિટી ખાતે “ક્યુબ-સેટ: જેનેસીસ” વર્કશોપનું સફળ આયોજન

જૂનાગઢ તા. ર૦
ડૉ. સુભાષ યુનિવર્સિટીના “ધ સ્પેસ ક્લબ (TSC)” દ્વારા વિદ્યાર્થીઓ માટે અનોખી હેન્ડ્સ-ઓન વર્કશોપ “CubeSat: Genesis”નું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપ ડૉ. સુભાષ યુનિવર્સિટી,  ધ સ્પેસ એસોસિએશન (TSA બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, વિદ્યાનગર) અને હેક્સ્ટાર યુનિવર્સના સંયુક્ત ઉપક્રમે સંપૂર્ણપણે વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળ યોજાયો હતો.
વર્કશોપ દરમિયાન TSAના કાર્યકર્તાઓ પાવન શાહ અને મીત દેવાણી દ્વારા આર્ડુઇનો પ્રોસેસર, વિવિધ સેન્સર્સ, એન્ટેના, રિસીવર જેવા ઘટકોની એસેમ્બલી તેમજ પ્રયોગાત્મક ક્યુબસેટ કેવી રીતે બનાવવો તેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.  
આ ઉપરાંત, ક્યુબસેટના ઉપયોગ, લોન્ચિંગ પછીના ઓપરેશન અને તેની સાથે જાેડાયેલી ટેકનિકલ તથા કાયદાકીય બાબતો અંગે પણ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ક્લબના સક્રિય વિદ્યાર્થીઓના સતત પ્રયત્નો નોંધપાત્ર રહ્યા. આ વર્કશોપમાં ડૉ. સુભાષ યુનિવર્સિટી તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
“CubeSat: Genesis” વર્કશોપની સફળતા સાથે ડૉ. સુભાષ યુનિવર્સિટીના “ધ સ્પેસ ક્લબ”એ જુનાગઢમાં વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત ખગોળીય પ્રવૃત્તિઓમાં પોતાનું અનોખું સ્થાન મજબૂત બનાવ્યું છે અને ભવિષ્યમાં સ્પેસ સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવા અવસર સર્જશે. આ વર્કશોપના સફળ આયોજન બદલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. દિપક પટેલ અને પ્રેસિડન્ટ શ્રી રાજ ચાવડાએ બધા વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.