અમદાવાદના જુના મોટેરા ગામમાં આજે સવારથી ડીમોલીશન : સ્થાનિકોનો ભારે વિરોધ
(બ્યુરો) અમદાવાદ તા.06
અમદાવાદના મોટેરા જૂના ગામમાં આસારામ આશ્રમ પાસે આવેલા મકાનોના ગેરકાયદેસર ભાગને આજે સવારે ડિમોલિશન કરવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન દ્વારા હાથ ધરવામાં આવી છે. ચાંદખેડા પોલીસના બંદોબસ્ત સાથે મકાનોના ગેરકાયદેસર ભાગને તોડી પાડવાની કામગીરી શરૂ થઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશને ભાડું અને વૈકલ્પિક વ્યવસ્થા આપવાનું કહ્યું હોવા છતાં મકાનો ખાલી કરવામાં આવ્યા નથી. આજે 17 મકાનોના ગેરકાયદેસર ભાગને તોડી પડાશે.
મોટેરા જૂના ગામમાં AMCની ટીમ પહોંચતા જ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો મકાનના દસ્તાવેજ લઇને રસ્તે ઉતરી ગયા છે. પોલીસ અને AMCની ટીમ ગામમાં આવતા જ સ્થાનિકોએ રોક્યા હતા. બાદમાં સ્થિતિ વણસતા અધિકારીઓએ માઇકમાં એનાઉસ કરીને 30 મિનિટમાં મકાન ખાલી કરવાની સૂચના આપી હતી. સૂચના મળતાં જ સ્થાનિકો વિફર્યા હતા.
30 મિનિટનો સમય પૂરો થતાં જ મોટેરા જૂના ગામમાં JCB ઘૂસ્યા હતા, JCB ઘૂસતાં જ બાળકો રડવા લાગ્યા હતા. એક યુવકે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા તેની અટકાયત કરાઈ હતી.


