આવતીકાલે દેશભરના 8 લાખ મેડીકલ સ્ટોર બંધ રહેશે

કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશન દ્વારા હડતાલનું એલાન : ઈમરજન્સી મેડીસીન સેવાઓ ચાલુ રહેશે

આવતીકાલે દેશભરના 8 લાખ મેડીકલ સ્ટોર બંધ રહેશે

(એજન્સી) નવી દિલ્હી,તા.19:
ઓનલાઈન અને ઈ-ફાર્મસી પ્લેટફોર્મ દ્વારા દવાઓના વેચાણના વિરોધમાં ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ્સે આવતીકાલ તા.20 મેના રોજ દેશવ્યાપી હડતાળ કરશે. સંગઠનનો દાવો છે કે આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં આશરે 15,000 મેડિકલ સ્ટોર્સ અને દેશભરમાં આશરે 700,000 થી 800,000 મેડિકલ સ્ટોર્સ બંધ રહી શકે છે. જોકે, ઇમરજન્સી મેડિસિન સેવાઓ ચાલુ રહેવાનું કહેવામાં આવ્યું છે.
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ના સૂત્રો કહે છે કે ઘણા રાજ્ય-સ્તરીય રિટેલ ફાર્મસી એસોસિએશનોએ હડતાળથી પોતાને દૂર રાખ્યા છે અને દવાઓની સામાન્ય ઉપલબ્ધતાની ખાતરી આપી છે. દિલ્હી રિટેલ ડિસ્ટ્રિબ્યુશન કેમિસ્ટ એલાયન્સ (RDCA)ના પ્રમુખ સંદીપ નાંગિયાએ જણાવ્યું હતું કે ઓનલાઈન પ્લેટફોર્મ નાના મેડિકલ સ્ટોર્સના વ્યવસાયને ભારે ડિસ્કાઉન્ટ અને ઝડપી ડિલિવરી આપીને અસર કરી રહ્યા છે.