ઈન્સ્ટાગ્રામ પર ૧૦ કરોડ ફોલોઅર્સ !! વડાપ્રધાન મોદી વિશ્વના પ્રથમ નેતા
પછીના ક્રમે આવતા વિશ્વના પાંચ નેતાઓના કુલ ફોલોઅર્સની સંખ્યા કરતા પણ વડાપ્રધાન મોદીની ફોલોઅર્સની સંખ્યા વધુ
(એજન્સી) નવી દિલ્હી તા.૨૬:
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.મોદી ૧૦ કરોડ ફોલોઅર્સ વટાવનારા પહેલા વૈશ્વિક નેતા બન્યા છે.પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ મામલે તેમના હરીફ નેતાઓને નોંધપાત્ર રીતે પાછળ છોડી દીધા છે. યુએસ પ્રમુખ
ડોનાલ્ડ ટ્રમ્પના આશરે ૪૩.૨ મિલિયન ફોલોઅર્સ છે, જે મોદીના અડધા કરતા પણ ઓછા છે. દરમિયાન, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોના આશરે ૧.૫ કરોડ ફોલોઅર્સ છે, ત્યારબાદ બ્રાઝિલના રાષ્ટ્રપતિ ૧.૪ કરોડ, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન ૧.૧૧.૬ મિલિયન અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જાવિઅર મેલા ૬.૪ મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે, આ બધા નેતાઓના ફોલોઅર્સ ભેગા કરવામાં આવે તો પણ આ સંખ્યા મોદીના વ્યક્તિગત ફોલોઅર્સથી ઓછી પડે છે.
વડાપ્રધાન મોદીની સોશિયલ મીડિયા લોકપ્રિયતા માત્ર વૈશ્વિક જ નહીં, પણ સ્થાનિક સ્તરે પણ છે, અને તેઓ સોશિયલ મીડિયા પર અન્ય નેતાઓ કરતા ઘણા આગળ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના લગભગ ૧૬.૧ મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના લગભગ ૧૨.૬ મિલિયન ફોલોઅર્સ છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર મોદીની પકડ અન્ય ભારતીય નેતાઓ કરતાં ઘણી મજબૂત છે. ઈન્સ્ટાગ્રામ પર ૧૦ કરોડ ફોલોઅર્સ સાથે વડાપ્રધાન મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે. વડાપ્રધાન મોદીના એકસ, ફેસબુક ઉપર પણ ફોલોઅર્સની સંખ્યા કરોડોમાં છે.


