ઈરાન સામેની લડાઈમાં અમેરીકાના અત્યંત કિંમતી રીપર ડ્રોનનો કચ્ચરઘાણ બોલી ગયો
(એજન્સી) વોશિંગ્ટન તા.06:
આંતરરાષ્ટ્રીય મીડિયા સ્રોતો દ્વારા વૈશ્વિક સત્તા ગણાતા અમેરિકાની સૈન્ય લાચારીનો એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. પોતાની અદ્યતન ટેકનોલોજી માટે ગર્વ લેતા અમેરિકાનું સૌથી મૂલ્યવાન ડ્રોન ‘એમક્યુ-૯ રીપર’ હવે ખતમ થવાના આરે છે, અને અમેરિકી એરફોર્સ માટે બજારમાંથી નવું સૈન્ય સાધન ખરીદવાને બદલે ભંગારમાંથી પાટ્ર્સ વીણવાની દયનીય સ્થિતિ ઊભી થઈ છે. મળતી વિગતો અનુસાર, ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાએ પોતાના અતિ આધુનિક ગણાતા આશરે 30 જેટલા ‘રીપર’ ડ્રોન ગુમાવ્યા છે. આ સિવાય યમન પરના સૈન્ય ઓપરેશન દરમિયાન પણ ડઝનબંધ ડ્રોન આકાશમાંથી તોડી પાડવામાં આવ્યા છે. યુદ્ધભૂમિમાં જે ડ્રોનને જનરલે પક્ષના ‘મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર’ (સૌથી કિંમતી ખેલાડી) તરીકે નવાજ્યું હતું, તે જ જાદુઈ ડ્રોન આકાશમાંથી પત્તાના મહેલની જેમ નીચે ખાબક્યા છે. અંદાજે 1 અબજ ડોલર (રૂપિયા 80 અબજથી વધુ) ની કિંમતના ડ્રોન આકાશમાંથી જમીનમાં ધૂળ ચાટતા થઈ ગયા છે, જેને અમેરિકા હવે ગમે તેટલી કિંમત ચૂકવવા છતાં પાછા ખરીદી શકે તેમ નથી. અમેરિકી એરફોર્સ માટે સૌથી મોટી આફત એ છે કે આ ડ્રોનની પ્રોડક્શન લાઈન હવે સત્તાવાર રીતે બંધ થઈ ચૂકી છે. આર્મીના બોનયાર્ડ (નકામા સૈન્ય સાધનો રાખવાનું સ્થળ) માં પણ એક પણ રીપર ડ્રોન સ્ટોરેજમાં બચ્યું નથી. આ ભયાનક નુકસાનના કારણે અમેરિકાનો જે ડ્રોન કાફલો અગાઉ 231નો હતો, તે માત્ર બે વર્ષની અંદર જ ઘટીને 135 પર આવી ગયો છે.


