ઉનામાં ફૂડ સેફ્ટી વિભાગનું મેગા ચેકિંગ : વેપારીઓની દુકાનેથી શંકાસ્પદ નમૂના લેવાયા : ભેળસેળિયામાં ફફડાટ

ઉનામાં ફૂડ સેફ્ટી વિભાગનું મેગા ચેકિંગ : વેપારીઓની દુકાનેથી શંકાસ્પદ નમૂના લેવાયા : ભેળસેળિયામાં ફફડાટ

(પ્રતિનિધિ દ્વારા)
ઉના, તા.૪
ઉના શહેરમાં જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતાં વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. શહેરની મુખ્ય બજારમાં આવેલી ઘી, માખણ અને કરિયાણાની દુકાનોમાં જિલ્લા ફૂડ સેફ્ટી અધિકારીઓએ સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા, પેકિંગ, લેબલિંગ, ઉત્પાદન તારીખ, એક્સપાયરી તારીખ તેમજ ફૂડ સેફ્ટીના નિયમોના પાલનની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી.
ફૂડ સેફ્ટી વિભાગની ટીમે વિશ્વાસ ટી સેન્ટર, ગોપાલ કરિયાણા, છગનભાઈ ઘી વાળા, શ્રીજી કરિયાણા, ભવનાથ પ્રોવિઝન સ્ટોર, બાલાજી ટ્રેડર્સ, નાઘેર ડેરી (સીમાસી) તેમજ મિલન ગોરખીયા સહિતની દુકાનોમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ જણાયેલી ખાદ્ય ચીજવસ્તુઓના નમૂના લેબોરેટરી પરીક્ષણ માટે લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હવે આ નમૂનાઓના રિપોર્ટ બાદ જ ભેળસેળ અંગેની સત્તાવાર સ્થિતિ સ્પષ્ટ થશે. ઉના શહેર અને તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ડુપ્લિકેટ માખણ અને ભેળસેળયુક્ત ઘીનું વેચાણ બેફામ ચાલતું હોવાની ચર્ચા છે. બજારમાં કેટલાક વેપારીઓ દ્વારા આશરે રૂા.૨૭૦ પ્રતિ કિલો માખણ અને રૂા.૫૫૦ પ્રતિ કિલો ઘીના ભાવે વેચાતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. બજારના જાણકારોનું કહેવું છે કે શુદ્ધ દૂધના ઘીના ઉત્પાદન ખર્ચની સરખામણીએ આટલા ઓછા ભાવે મળતું ઘી શંકા ઊભી કરે છે. જાેકે, આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ માત્ર લેબોરેટરીના પરીક્ષણ રિપોર્ટ બાદ જ થઈ શકશે. અચાનક થયેલી કાર્યવાહીના પગલે વેપારીઓમાં દોડધામ જાેવા મળી હતી, જ્યારે ભેળ સેળ યુક્ત ખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગ્રાહકો પણ હવે પરીક્ષણના રિપોર્ટની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. લોકો મા એવી ચર્ચાઓ થાય છે કે. જ્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રેડ કરવામાં આવે છે ત્યારે મોટા મગરમચ્છ છટકી જાય છે અને ખાલી નાના માછલાઓ ઝપટ માં આવી જાય છે. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે. જાે લેબોરેટરીના રિપોર્ટમાં ભેળસેળ અથવા ગુણવત્તામાં ખામી સામે આવશે તો સંબંધિત વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કડક કાર્યવાહી થઈ શકે છે. સ્થાનિકોનું માનવું છે કે આવી કાર્યવાહી એક દિવસ પૂરતી ન રહે, પરંતુ ઉના શહેર અને તાલુકામાં નિયમિત તથા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવે તો જ ભેળ સેળ કરતા વેપારીઓ સામે અસરકારક અંકુશ આવી શકશે અને ગ્રાહકોને શુદ્ધ તથા સુરક્ષિત ખાદ્ય ચીજવસ્તુઓ મળી શકશે.