ગુજરાતના માછીમારો પ્રથમવાર અપનાવશે ‘ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ’, 8,925 માછીમારોને વિનામૂલ્યે મળશે TED
રૂ.20.96 કરોડના ખર્ચે ફિશિંગ નેટમાં લગાવાશે આધુનિક ઉપકરણ; જાળમાં ફસાયેલા દરિયાઈ કાચબાઓને સુરક્ષિત બહાર નીકળવામાં કરશે મદદ
ગાંધીનગર તા.29
દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણની સાથે ગુજરાતના સીફૂડ ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ મજબૂત બનાવવાની દિશામાં રાજ્યમાં પ્રથમવાર મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી રહી છે. ‘પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના’ અંતર્ગત ગુજરાતના માછીમારોની ફિશિંગ નેટમાં ‘ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ’ (TED) લગાવવાનો પ્રારંભ કરવામાં આવશે.
મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીના જણાવ્યા અનુસાર રાજ્યના કુલ 8,925 માછીમારોને 100 ટકા સરકારી સહાય સાથે વિનામૂલ્યે TED આપવામાં આવશે. સમગ્ર પ્રોજેક્ટ પાછળ રૂ.20.96 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપકરણનો મુખ્ય હેતુ માછીમારી દરમિયાન જાળમાં ફસાઈ જતા દરિયાઈ કાચબાઓને સુરક્ષિત રીતે બહાર નીકળવાનો માર્ગ આપવાનો છે.
TED ખાસ કરીને ઝીંગા પકડવા માટે ઉપયોગમાં લેવાતી ટ્રોલ નેટમાં લગાવવામાં આવતું વિશિષ્ટ ઉપકરણ છે. જાળમાં ઝીંગા સુરક્ષિત રહે તે રીતે તેની રચના કરવામાં આવી છે, જ્યારે કાચબા જેવા મોટા દરિયાઈ જીવો ફસાઈ જાય તો તેઓ ‘એક્ઝિટ ફ્લેપ’ મારફતે બહાર નીકળી શકે છે. આ વ્યવસ્થાથી માછીમારી દરમિયાન કાચબાઓને થતા જોખમ અને મૃત્યુદરમાં ઘટાડો કરવામાં મદદ મળશે.
ભારત સરકાર દ્વારા દેશભરમાં સૌથી વધુ 8,925 TED યુનિટ ગુજરાત માટે મંજૂર કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. આ ઉપકરણનું વિશિષ્ટ મોડેલ ICAR-સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશરીઝ ટેકનોલોજી, કોચી દ્વારા અમેરિકાના નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના માપદંડોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.
આ પહેલને સીફૂડ નિકાસની દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. માછીમારી દરમિયાન દરિયાઈ કાચબાઓને થતા જોખમને કારણે અમેરિકા દ્વારા ભારતીય ‘વાઇલ્ડ કોટ શ્રિમ્પ’ એટલે કે દરિયામાંથી પકડાતા ઝીંગાની આયાત પર અંકુશ મૂકવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. TEDના ઉપયોગથી કાચબાઓના સંરક્ષણ માટે જરૂરી વ્યવસ્થા મજબૂત બનતાં આંતરરાષ્ટ્રીય સ્તરના સર્ટિફિકેશન મેળવવાની પ્રક્રિયામાં મદદ મળવાની અપેક્ષા છે.
તેના પરિણામે અમેરિકા સહિતના વૈશ્વિક બજારોમાં ગુજરાતના ઝીંગા અને અન્ય સીફૂડની નિકાસ માટે નવી તકો ઊભી થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. આ વ્યવસ્થા માછીમારો અને સીફૂડ નિકાસકારોની આવક વધારવામાં પણ મદદરૂપ બની શકે છે.
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર દરિયાઈ પર્યાવરણના સંરક્ષણ અને માછીમારોના આર્થિક વિકાસને એકસાથે આગળ વધારતી આ પહેલ ગુજરાતની ‘બ્લુ ઇકોનોમી’ને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.


