ગિરનાર પરિક્રમા અંતિમ ચરણમાં - ૮.પ૦ લાખ ભાવિકોએ પરિક્રમા પુર્ણ કરી
જૂનાગઢ તા.ર૩
ગિરનારની લીલી પરિક્રમા અંતિમ ચરણમાં પ્રવેશી ગઈ છે. આવતીકાલે પરિક્રમાનો અંતિમ દિવસ છે. ૩ દિવસમાં આશરે ૮ લાખથી વધારે ભાવિકોએ પરિક્રમા પુર્ણ કરી છે અને હજુ મોટી સંખ્યામાં ભાવિકો પરીક્રમાના માર્ગો પર હોવાનું જાણવા મળે છે. પરિક્રમા પુર્ણ થતા સુધીમાં અંદાજીત દશેક લાખ કરતા વધુ ભાવિકોની સંખ્યા થશે તેવો અંદાજ છે. ગરવા ગિરનારની ૩૬ કિલોમીટરની લીલી પરિક્રમા કરવા માટે દુર દુરથી ભાવિકોનો ભારે ઘસારો રહયો હતો અને પરીક્રમાને નિયત સમય કરતાં ૧૮ કલાક વહેલી શરૂ કરી દેવામાં આવી હતી. શુક્રવારે વહેલી સવારે પરીક્રમાનો ગેટ ખુલ્લો કરવામાં આવતાં બે લાખ પરીક્રમાર્થીઓનો પ્રવાહ પરીક્રમા માટે રવાના થયો હતો. ૩૬ કિલોમીટરની ગિરનારજી મહારાજની પરીક્રમા પુર્ણ કરી અને ભાવિકો-શ્રધ્ધાળુઓ ગિરનાર ક્ષેત્રમાં આવેલા ધર્મસ્થાનો ઉપરાંત જૂનાગઢ નજીક આવેલા સતાધાર, પરબધામ, સોમનાથ સહિતનાં ધર્મસ્થાનોએ દર્શનાર્થે જવા રવાના થયા છે. ગિરનાર પરિક્રમામાં સેવાનું પુનીત ભાથુ બાંધવા આવેલા શ્રધ્ધાળુઓએ રાધા દામોદરજીનાં દૃશનનો લાભ લીધો હતો તેમજ પવિત્ર દામોદરકુંડમાં સ્નાન કરી અને યાત્રાનું પુણ્ય કમાયું હતું.
ગત વર્ષે ભારે વરસાદને કારણે પરીક્રમા યોજવામાં આવી ન હતી. અને ચાલુ વર્ષે ગિરનાર પરીક્રમામાં ભાવિકોની સંખ્યા વધવાની ધારણા મુજબ જ ભાવિકોનો મહાસાગર પરીક્રમામાં ઉમટી પડયો છે. ભવનાથ ક્ષેત્ર, ગિરનાર ક્ષેત્ર અને પરીક્રમા રૂટ ઉપર જયાં જુઓ ત્યાં શ્રધ્ધાળુઓ, ભાવિકોનો જમાવડો જાેવા મળે છે.
ચાલુ વર્ષે ગિરનાર પરીક્રમામાં વડીલો ઉપરાંત વર્ષોથી પરીક્રમા કરવા આવતા ભાવિકોએ આ વર્ષે પણ પરીક્રમાનો લ્હાવો લેવા પોત પોતાના સંઘ સાથે આવી પહોંચ્યા હતા. તો યુવા વર્ગ પણ ખુબ જ મોટી સંખ્યામાં પરીક્રમામાં જાેડાયા છે અને પરીક્રમાનો આનંદ માણી રહયા છે. ગિરનારની લીલી પરીક્રમા એટલે શ્રધ્ધા અને આસ્થાનું પરમ તત્વ ગમે તેવી પરિસ્થિતી વચ્ચે ગિરનારજી મહારાજની કૃપા સાથે પરીક્રમા કરવા માટે નાના-મોટા, વડીલો અને યુવાવર્ગ આવી પહોંચ્યા હતા.
ઈશ્વર પ્રત્યેની અખુટ શ્રધ્ધા સાથે હોંશે હોંશે પરીક્રમા લાખો શ્રધ્ધાળુઓ કરી રહયા છે. ચાલુ વર્ષે અપુરતા વરસાદને કારણે પાણીની કટોકટીનાં સમયમાં પણ તંત્ર તેમજ સંતો દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરવાની સાથે સાથે ભાવિકોની સુવિધા અને સલામતીના અનેક પગલા ભરી સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગિરનાર પરીક્રમાનાં ભાવિકો માટે પ્રસાદ, ભોજનની વ્યવસ્થાના ભાગરૂપે ધર્મસ્થાનો, આશ્રમો, ઉતારામંડળ અને સેવાકીય સંસ્થાઓ, મંડળો દ્વારા અન્નક્ષેત્રો ધમધમી રહયા છે. રાત દિવસ ખડે પગે નિ:સ્વાર્થ ભાવે સેવાભાવીઓ સેવા કરી રહયા છે.
ગિરનારની લીલી પરિક્રમા એટલે ભાવિકોની શ્રધ્ધાનો સાક્ષાત્કાર, અલખની આરાધના, સંતો, સિધ્ધ યોગીઓનાં દર્ન અને કૃપા-આશિર્વાદ, સંતવાણી, ભજનની રમઝટ અને જંગલમાં મંગલનાં માહોલ વચ્ચે ભક્તિ રસનો મહાસાગર ઘુઘવે છે અને જય ગિરનારી હર હર મહાદેવ હરનો નાદ ગુંજી ઉઠે છે તેવી પાવનકારી પરીક્રમા અંતિમ ચરમમાં પ્રવેશી છે. લાખો શ્રધ્ધાળુઓ પરિક્રમાનું પુનિત ભાથુ બાંધી રહયા છે. આગામી વર્ષમાં પણ પરીક્રમામાં ભાગ લેવાનો સંકલ્પ કરી રહયા છે.


