ચકચારી ઉના કાંડમાં ચુકાદો, પાંચ દોષિતોને સજા
વેરાવળ કોર્ટમાં કડક બંદોબસ્ત વચ્ચે સજા સંભળાવાઈ, મુક્તિનો માર્ગ મોકળો થયો
વેરાવળ તા.૧૭
ગીર સોમનાથ જીલ્લાના ચકચારી ઉના કાંડ મામલે વેરાવળ સેશન્સ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. સેશન્સ જજ પંડ્યાએ પાંચેય આરોપીઓને દોષિત ઠરાવી સજા ફટકારી છે. આ સંવેદનશીલ કેસને લઈને કોર્ટ પરિસર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. LCB અને SOG સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અને દરેક પ્રવેશદ્વાર પર કડક ચેકિંગ હાથ ધરાયું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ એલર્ટ મોડમાં રહી હતી. પાંચેય દોષિતોને કડક પોલીસ જપ્તા સાથે કોર્ટમાં લાવવામાં આવ્યા હતા, જ્યારે લોકોમાં ચુકાદાને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી હતી. પોલીસે શાંતિ જાળવવા અપીલ પણ કરી હતી અને ગીર સોમનાથ જિલ્લામાં કાયદો-વ્યવસ્થા માટે ખાસ નજર રાખવામાં આવી હતી. આ ઉપરાંત કોર્ટ દ્વારા એટ્રોસિટી એક્ટ હેઠળ તમામ આરોપીઓને ૫ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તેમજ IPC કલમ ૫૨૩ અને ૫૨૪ હેઠળ ૩ વર્ષની સજા અને IPC કલમ ૩૪૨ તથા ૫૦૪ હેઠળ ૨ વર્ષની સજા ફટકારવામાં આવી છે. તમામ આરોપીઓને રૂપિયા ૫,૦૦૦નો દંડ પણ ફટકારાયો છે. કોર્ટના આદેશ મુજબ તમામ સજાઓ એક સાથે ભોગવવાની રહેશે. મહત્વની બાબત એ છે કે આરોપીઓ ૬ વર્ષથી વધુ સમયથી જેલવાસ ભોગવી ચૂક્યા હોવાથી, સજાની અવધિ પૂર્ણ થતા જ તેમની મુક્તિનો માર્ગ મોકળો થયો છે.


