સૌરાષ્ટ્ર-કચ્છમાં કાતિલ શીતલહેર : ૬ શહેરોમાં તાપમાન સિંગલ ડીઝીટમાં નોંધાયું : નલીયામાં ૬ ડીગ્રી
(બ્યુરો) રાજકોટ, તા.૧૨
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગત સપ્તાહથી બર્ફીલા પવનો વચ્ચે હાઝા ગગડાવતી ઠંડીનો માહોલ જામી ગયો છે અને આજે પણ નવા સપ્તાહની શરુઆતમાં પણ ઉત્તર-પૂર્વનાં ઠંડા પવનોનું આક્રમણ યથાવત રહેવા પામ્યું છે અને લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે.
રાજકોટમાં ગઇકાલે ચાલુ સિઝનનું હાઇએસ્ટ ૮.૯ ડીગ્રી તાપમાન નોંધાયા બાદ આજે સવારમાં ૧૨ થી ૧૫ કી.મી.ની ઝડપે હિમ જેવા પવનની સાથે ૧૦.૩ ડીગ્રી લઘુતમ તાપમાનથી નગરજનો ઠંડીથી ધ્રુજી ઉઠયા હતા. આ ઉપરાંત આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ૬ સ્થળોએ સિંગલ ડીઝીટમાં તાપમાન નોંધાવા પામ્યું હતું.
આજે સવારે નલીયા ખાતે ૬ ડીગ્રી તથા ગિરનાર પર્વત ઉપર પણ ૬ ડીગ્રી તેમજ અમરેલીમાં ૯.૭, સુરેન્દ્રનગરમાં ૯, ભુજમાં ૮.૬ ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.


