જૂનાગઢનાં જવાહર રોડની વોકળા કરતા પણ બદતર હાલત

એક માસ કરતા પણ વધારે સમયથી રસ્તાનું ખોદકામ કરી નાખવાના કારણે લોકોને પડી રહી છે હાલાકી : ગટરનાં પાણી ભળી જતાં જનતાનાં આરોગ્યને પણ નુકશાન પહોંચાડે છે

જૂનાગઢનાં જવાહર રોડની વોકળા કરતા પણ બદતર હાલત

જૂનાગઢ તા. ૮
જૂનાગઢ શહેરનાં જવાહર રોડ ઉપર સેજના ટાંકાથી લઈ સ્વામિનારાયણ મુખ્ય મંદિરનાં ગેઈટ સુધીનાં રસ્તાને છેલ્લા એક માસ કરતા પણ વધારે સમયથી ખોદી નાખવામાં આવેલ છે. આ રસ્તાનાં ખોદકામનાં કારણે ગટરની લાઈનો, પાણીની લાઈનો તુટી જતાં પાણીનાં પાટોડા ભરાય છે અને ગટરનું ગંદુ પાણી આ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર પ્રસરી જાય છે. લોકોને અવર જવર માટે ભારે મુશ્કેલી પડી રહી છે. આ રસ્તાની કામગીરી વહેલી તકે પુર્ણ કરી લેવાની માંગણી સાથે સ્થાનિક રહેવાસીઓ તેમજ વેપારીઓએ હલ્લાબોલ પણ કર્યો હતો.
દરમ્યાન અહી જે મુકવામાં આવી છે તે તસ્વીર જવાહર રોડની આજે જે હાલત છે તે દર્શાવે છે. જવાહર રોડ પર એક ડંકી આવેલી હતી અને ડંકી રોડ ખોદકામ કરતી વખતે ત્યાંથી હટાવવામાં આવી હતી. તેમજ પાણી માટેનો બોર છે તે બોર રસ્તાનાં ખોદકામ દરમ્યાન બુરવામાં નહોતો આવ્યો અને જેને કારણે તુટી ગયેલી ગટરોની લાઈનનું પાણી પણ આ બોરમાં જવા લાગ્યુ હતું. અને લોકોનાં ઘરમાં પણ આ પ્રદુષિત પાણી બોરમાં આવતું થયું હતું જેને લઈને પણ લોકોમાં ભારે આક્રોશ જાેવા મળી રહયો હતો.
દરમ્યાન વિપક્ષનાં નેતા લલીત પણસારાએ મુલાકાત લીધી હતી. તેમજ ત્યાં ગટરનું પાણી બોરમાં ભળી જતું હોવાનું ધ્યાને આવતાં તાત્કાલીક કમિશ્નરને રજુઆત કરી હતી. તેમજ સ્થાનિકો દ્વારા પણ રજુઆત કરવામાં આવતાં તંત્ર દ્વારા હાલ આ બોરને ઉપરથી બંધ કરી દેવામાં આવેલ છે. તેમજ પાણી માટેની વ્યવસ્થા પણ કરવામાં આવનાર હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. દરમ્યાન આ રસ્તાની હાલત વોકળાથી પણ બદતર બની ગઈ છે ત્યારે વહેલી તકે આ રસ્તાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે તેવી લાગણી અને માંગણી આમજનતાની છે.