જૂનાગઢના લોકોની ફરિયાદો - પ્રજાકીય પ્રશ્ને કોંગ્રેસનું કમિશ્નરને આવેદનપત્ર

ખરાબ રસ્તાઓને કારણે અકસ્માતનો ભોગ બનેલાને આર્થિક નુકશાનનું વળતર આપવાની માંગણી

જૂનાગઢના લોકોની ફરિયાદો - પ્રજાકીય પ્રશ્ને કોંગ્રેસનું કમિશ્નરને આવેદનપત્ર

જૂનાગઢ તા.3
જૂનાગઢ શહેરમાં વરસાદને પગલે ગંભીર પરિસ્થિતિનું સર્જન થયું છે અને ખરાબ રસ્તા તેમજ અધુરા મુકી દેવાયેલા વિકાસ કામોનો ભોગ લોકો બન્યા હતા. વરસાદ આવતા જ અનેક વિસ્તારોમાં ખાડાઓમાં પાણી ભરાયા હતા અને રસ્તે પસાર થતાં લોકો તેમજ વાહન ચાલકોને માર્ગ ઉપર પાણી ભરાવાને કારણે ખાડામાં પડી જવાના પણ 7 થી 8 જેટલા બનાવો બન્યા હતા અને અકસ્માતનો ભોગ બનેલા લોકોને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત વરસાદનું પાણી લોકોના ઘર સુધી તેમજ સોસાયટી વિસ્તાર અને દુકાનોમાં પણ ઘુસી જતાં નુકશાની પણ વેઠવી પડી છે. મનપા તંત્રના પાપે આજે જૂનાગઢ શહેરની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે ત્યારે જૂનાગઢ શહેરના લોકોની વેદનાને વાચા આપવા માટે આજે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજ જાેષી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મનપા કચેરી ખાતે કમિશ્નરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ ઈજાગ્રસ્ત બનેલા લોકોને તેમજ આર્થિક રીતે મિલ્કતને નુકશાન થયું હોય તે તમામને વળતર આપવાની માંગણી તેમજ જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોના અધુરા રહેલા રસ્તા સહિતના કામોને વહેલી તકે પૂર્ણ કરવાની માંગણી સાથે રજુઆત કરવામાં આવી હતી.