વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જૂનાગઢ દ્વારા “મેરી મિટ્ટી મેરા ખેલ” અંતર્ગત અર્જુન એકેડેમી ખાતે કબડ્ડી સ્પર્ધા યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૯
વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ “મેરી મિટ્ટી મેરા ખેલ” અભિયાન અંતર્ગત કબડ્ડી સ્પર્ધાનું આયોજન અર્જુન એકેડમી (રામ વાડી), ખલીપુર ચોકડી ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જૂનાગઢ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી કુલ ૮ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લેનારી ટીમોમાં (૧) સૂર્યમુખી હનુમાન - કેપ્ટન રાજેન્દ્ર જાડેજા, (૨) સાવજ ૧૧ - કેપ્ટન જયભાઈ કોટક, (૩) આઝાદ - કેપ્ટન સૌમ્ય પાણખાણીયા, (૪) વિવેકાનંદ - કેપ્ટન સંજયભાઈ રાખેશિયા, (૫) બજરંગ - કેપ્ટન કલ્પેશભાઈ રબારી, (૬) દેવસત્ય - કેપ્ટન અભયભાઈ કાઠી, (૭) અઘોરી - કેપ્ટન યશભાઈ ભટ્ટ તથા (૮) દ્વારકેશ - કેપ્ટન ઓમભાઈ ત્રિવેદી ટીમો સામેલ રહી હતી. આ સમગ્ર સ્પર્ધા દરમ્યાન ખેલાડીઓએ શૌર્ય, શિસ્ત અને ટીમ ભાવનાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. કબડ્ડી જેવી પરંપરાગત અને શક્તિ આધારિત રમતમાં દરેક મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. અંતે જૂનાગઢ મહાનગર લેવલે ટીમ દ્વારકેશે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જ્યારે ટીમ સાવજ ૧૧ બીજા ક્રમે અને સૂર્યમુખી ટીમ ત્રીજા ક્રમે રહી હતી. વિજેતા ટીમોને વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગદળ તરફથી ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી, જ્યારે ભાગ લેનારી તમામ અન્ય ટીમોના ખેલાડીઓને પણ પ્રમાણપત્ર આપી ખેલાડીઓનું ઉત્સાહવર્ધન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ, જૂનાગઢ મહાનગરના મંત્રી વિપુલભાઈ રાવત, બજરંગદળના સંયોજક (પ્રમુખ) હિતેષભાઈ મેર સહિત અનેક કાર્યકર્તાઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ભરત એચ. કળથીયા(ગુજરાત રાજ્ય યોગ બોર્ડ - જિલ્લા યોગ કોચ, જૂનાગઢ), ભરતભાઈ છૈયા તથા મહેન્દ્રભાઈ ગોસાઈએ નિષ્પક્ષ અને પ્રશંસનીય સેવા આપી હતી. આ રીતે “મેરી મિટ્ટી મેરા ખેલ” અંતર્ગત યોજાયેલી કબડ્ડી સ્પર્ધા ખેલાડીઓમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધારતી અને ભારતીય પરંપરાગત રમતોને પ્રોત્સાહન આપતી સાબિતી બની હતી.


