જૂનાગઢમાં ગોકુલધામ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂા. પ.૮૦ લાખની ચોરી
પરીવાર દર્શન કરવા ગયો હતો અને બાદમાં બે કલાકમાં જ તસ્કરો ત્રાટકયા : દિકરીના લગ્ન માટે ભેગા કરેલા દાગીના અને રોકડની ચોરી થઈ
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા. ર૩
જૂનાગઢનાં જાેષીપરા વિસ્તારમાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં ધોળા દિવસે મકાનમાં ત્રાટકી તસ્કરોએ રૂા. ૧.૧૦ લાખનાં દાગીના અને રૂા. ૪.૭૦ લાખની રોકડ મળી કુલ રૂા. પ.૮૦ લાખની માલમતાની ચોરી કર્યાનાં બનાવને પગલે ભારે ચકચાર જાગી ઉઠી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ગોકુલધામમાં રહેતા જયસુખભાઈ ડાયાભાઈ રૂપાપરા અને તેમનો પરીવાર રવિવારે સવારે આશરે સવા દસ વાગ્યે પોતાનાં કુળદેવતા સુરાપુરા બાપાનાં દર્શને ગયા હતાં ત્યારબાદ દર્શન કરી અને પ્રસાદ લઈને તેઓ સવા બાર વાગ્યાની આસપાસ ઘરે પરત ફર્યા ત્યારે ઘરના દરવાજાના તાળા અને બારીઓ તુટેલી હાલતમાં જાેવા મળ્યા હતાં. અંદર જઈને તપાસ કરતા માલુમ પડયું કે ઘરમાં રહેલા કબાટ અને પતરાની પેટીઓના તાળા તોડી નાખવામાં આવ્યા હતાં અને અંદર રહેલો સામાજ વેરવિખેર પડયો હતો. ચોરે ઘરમાંથી રૂા. ૪.૭૦ લાખ રોકડા અને દિકરી માટે બનાવેલા આશરે રૂા.૧.૧૦ લાખનાં સોનાના ઘરેણા જેમાં પાટલા, વીટીઓ વગેરે ચોરી ગયા હતા. ભોગ બનનાર મકાન માલીક જયસુખભાઈ રૂપાપરાએ જણાવ્યું હતું કે આ રોકડ અને દાગીના તેમની દિકરીના લગ્ન માટે છેલ્લા ર૦ વર્ષથી ત્રણ ભાઈઓએ મજુરી કરીને ભેગા કર્યા હતાં. માત્ર બે જ કલાકમાં તસ્કરો તેમની જીવનભરની કમાણી પર હાથફેરો કરી ગયા હતાં. પોલીસે આ સમગ્ર મામલે એફઆઈઆર નોંધી છે. આ મામલે આ વિસ્તારનાં કોર્પોરેટર અને વિરોધ પક્ષનાં નેતા લલીતભાઈ પણસારાએ જણાવ્યું તું કે આ ચોરી કોઈ પ્લાનીંગ સાથે કરવામાં આવી હોય તેવું લાગી રહયું છે. કારણ કે પરીવાર ઘરેથી નીકળ્યો અને પરત ફર્યો તે બે કલાકના ગાળામાં જ પાછળથી દરવાજા અને બારીઓ તોડીને ચોરીને અંજાબ આપવામાં આવ્યો છે. આ મામલે ડીવાયએસપી રવિરાજ પરમારે જણાવ્યું હતું કે પોલીસે ઘટના સ્થળનું પંચનામુ કરેલ છે તેમજ જયસુખભાઈ ડાયાભાઈ રૂપાપરા (ઉ.વ.પ૮) રહે. પટેલ સમાજની સામે, કેશવ ૦ર એપાર્ટમેન્ટની બાજુમાં જાેષીપરા વિસ્તારની ફરીયાદનાં આધારે અજાણ્યા ચોર ઈસમ સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે.
આ બનાવની પ્રાથમિક તપાસમાં આસપાસના સીસીટીવી ફુટેજ ચકાસતાં તેમાં એક શંકાસ્પદ મહિલા અને પુરૂષ કેદ થયા હોવાનું સામે આવ્યું છે. આ બનાવની વધુ તપાસ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ વાય.બી. રાણા ચલાવી રહયા છે.


