જૂનાગઢ જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ,તા. ૭
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના માર્ગદર્શન હેઠળ રાજ્યભરની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાની નોડલ સંસ્થા સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જૂનાગઢ તેમજ મહિલા આઈ.ટી.આઈ. જૂનાગઢ, કેશોદ, માણાવદર, વંથલી, વિસાવદર, માળિયા-હાટીના, ભેસાણ અને મેંદરડા સહિત જિલ્લાની તમામ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે અધિકારીઓ, સ્ટાફગણ અને તાલીમાર્થીઓની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
જિલ્લાની નોડલ સંસ્થા સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જૂનાગઢ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી મયંક ભદોરિયા તથા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પિન્ટુબેન ગુજરાતી ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગુજરાતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમ બાદ ધારાસભ્યએ સંસ્થાના વિવિધ ટ્રેડની મુલાકાત લઈ તાલીમ વ્યવસ્થા, ઉપલબ્ધ સુવિધાઓ તેમજ તાલીમાર્થીઓને આપવામાં આવતી વ્યવસાયલક્ષી તાલીમ અંગે માહિતી મેળવી હતી. આ પ્રસંગે છેલ્લા બે વર્ષ દરમિયાન સંસ્થા દ્વારા તાલીમની ગુણવત્તા, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ, ઓન-ધ-જોબ ટ્રેનિંગ (OJT), એપ્રેન્ટિસશિપ એન્ગેજમેન્ટ તથા કેમ્પસ પ્લેસમેન્ટ જેવી થયેલી નોંધપાત્ર કામગીરી અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્યએ સંસ્થાના આચાર્ય ભગીરથસિંહ બી. જાળીયા તેમજ સમગ્ર સ્ટાફની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા અને ભાવિ સમયમાં પણ કૌશલ્ય વિકાસ અને રોજગારલક્ષી પ્રવૃત્તિઓને વધુ ગતિ આપવા અનુરોધ કર્યો હતો.
 ઉપરાંત ધારાસભ્યએ સંસ્થાના નવા નિર્માણાધીન બિલ્ડિંગની મુલાકાત લઈ બાંધકામની કામગીરીની સમીક્ષા કરી, બાંધકામની ગુણવત્તા જળવાય, કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તેમજ તાલીમાર્થીઓને ભવિષ્યમાં આધુનિક અને સુવિધાસભર શૈક્ષણિક માળખું ઉપલબ્ધ થાય તે માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે માર્ગ અને મકાન વિભાગ (R&B)ના સેક્શન ઓફિસર તથા નાયબ કાર્યપાલક ઇજનેર વિવેક ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.