જૂનાગઢ તાલુકાનાં ખડીયા ગામે નકલી કેમીકલયુકત દુધનો જથ્થો ઝડપાયો

જૂનાગઢ તાલુકાનાં ખડીયા ગામે નકલી કેમીકલયુકત દુધનો જથ્થો ઝડપાયો

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા. ૧૭
જૂનાગઢ તાલુકાનાં ખડીયા ગામે નકલી કેમીકલયુકત બનાવી અને તેનું વેંચાણ કરવામાં આવતું હોવાની ચોકકસ બાતમીનાં આધારે તાલુકા પોલીસે કાર્યવાહી કરી અને નકલી દુધનો જથ્થો ઝડપી શખ્સ વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ રેન્જનાં આઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચના અને માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિકારી રવીરાજસિંહ પરમારનાં સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પીઆઈ એફ.બી. ગગનીયા તથા પીએસઆઈ એસ.કે. સોનરાત અને તાલુકા પોલીસનો સ્ટાફ જીલ્લામાં ચાલતા નકલી દુધનાં વેપાર શોધી કાઢવા પ્રયત્નશીલ હોય આ દરમ્યાન તાલુકા પોલીસને એવી બાતમી મળી હતી કે ખડીયા ગામે હનુમાનપરા વિસ્તારમાં રહેતો જયદીપ હરસુખભાઈ ભેડા પોતાનાં રહેણાંક મકાનમાં નકલી કેમીકલયુકત દુધ બનાવે છે અને તેનું વેંચાણ કરે છે તેવી બાતમીનાં આધારે તપાસ કરતાં જયદીપ હરસુખભાઈ ભેડા મળી આવ્યો હતો. અને તેનાં રહેણાંક મકાનમાં તપાસ કરતાં ૩ કેરબામાં આશરે ૬૦ લી. જેટલુ દુધ તથા પામોલીન તેલનાં ૩ ડબ્બા તથા દુધ બનાવવનો પાઉડર મળી આવ્યો હતો. આ અંગે તાત્કાલીક ફુડ સેફટી ઓફીસર અને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર જૂનાગઢને જાણ કરવામાં આવી હતી. ફુડ વિભાગની ટીમે સ્થળ પર પહોંચી નકલી દુધ, પામોલીન તેલ અને મિલ્ક પાઉડરનાં સેમ્પલ લઈ તેને લેબમાં મોકલી આપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.