જૂનાગઢ ફાયર સ્ટેશન નજીક કાંકરી, કસ્તરનો ઢગલો કરી દેતા રસ્તો બંધ કરાયો : પ્રવાસીઓને વાહન પાર્કીંગ માટે મુશ્કેલી
જૂનાગઢ તા. ૮
જૂનાગઢ શહેરમાં ભવનાથ તળેટી તરફ જવાના માર્ગ ઉપર ફાયર સ્ટેશન આવેલું છે. આ ફાયર સ્ટેશન નજીક જ કાંકરી, કસ્તરના ઢગલા કરી નાંખવામાં આવ્યા છે અને જેને કારણે આ રસ્તો બંધ કરી દેવામાં આવેલ છે. ભવનાથ તળેટી તરફથી અવર જવર માટે પ્રવાસીઓને આ રસ્તો અનુકુળ હોય તેમજ ઉપરકોટ ખાતે પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં મુલાકાતે જતા હોય છે. અને ફાયર સ્ટેશન નજીક પોતાનાં વાહનો પાર્ક કરી દેતા હોય છે. લોકોનો સતત પ્રવાહ આ માર્ગ પર રહેતો હોય છે પરંતુ કાંકરી, કસ્તરનાં ઢગલા કરી અને ફાયર સ્ટેશન નજીક રસ્તો બંધ કરી દેવામાં આવતા પ્રવાસીઓને પોતાનાં વાહન પાર્ક કરવાની મુશ્કેલી પડી રહી છે. ત્યારે આ સ્થળેથી વહેલી તકે કાંકરી, કસ્તરને તંત્ર દ્વારા દૂર કરવામાં આવે તેવી વ્યાપક માંગણી ઉઠવા પામી છે.



