જવાહર રોડ પર નવો માર્ગ બનાવવાની કાર્યવાહીમાં પાણીનો બેફામ વેડફાટ : લોકોમાં રોષની લાગણી
જૂનાગઢ તા. ૮
જૂનાગઢ શહેરમાં કોર્પોરેશન તંત્ર દ્વારા રસ્તા સહીતની કરવામાં આવતી કામગીરીમાં કયાંક બેદરકારી તો કયાંક ધંગધડા વિનાના થતા કામો અને સંકલનનાં અભાવે રસ્તા વારંવાર તોડવાનાં બનાવો હવે નવા નથી રહયા. અને જેને કારણે શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો અને હાલાકી ભોગવવી પડી રહી છે. આ દરમ્યાન આજે એક જ તસ્વીર અને વિડીયો સામે આવ્યો છે જેમાં જવાહર રોડ પર સીમેન્ટ રોડની જે કામગીરી ચાલી રહી છે ત્યાં કામ કરતી એજન્સી દ્વારા રસ્તા ઉપર પાણી છંટકાવની કામગીરી ભારે વિચિત્ર રીતે થઈ રહી છે. પાણીની પાઈપ લાઈનને ખુલ્લી રાખી દેવામાં આવેલ છે અને ૧ કલાક સુધી પાણીનો વેડફાટ થતો હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. અને આ બાબતે તંત્રને જાે જરાક શરમ હોય તો યોગ્ય રીતે પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર હવે તો જગજાહેર થઈ ચુકયુ છે કે જૂનાગઢ શહેર અને જીલ્લામાં અપુરતા વરસાદને કારણે પાણીની તંગી આવતા દિવસોમાં પડશે તેવી શકયતા રહેલી છે. આજે ખુબ સમજી વિચારીને પાણીનો ઉપયોગ કરવો જાેઈએ. પરંતુ તેને બદલે તંત્ર દ્વારા પાણીનો બેફામ વેડફાટ થતો હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે. જવાહર રોડ પર સીમેન્ટ રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને આ કામ બાદ પાણી છાંટવુ પડે પરંતુ તંત્રએ નવતર અભિગમ અપનાવી અને રસ્તા પરની પાણીની લાઈનો ખુલ્લી મુકી દીધી છે. અને બેથી ત્રણ જગ્યાએ પાણીના ફુવારા ઉડે છે અને જેને લઈને સતત એક કલાક સુધી આ રીતે પાણીનો વેડફાટ થાય છે. જેની સામે આ વિસ્તારનાં લોકો અને વેપારીઓમાં ભારે રોષની લાગણી ઉઠવા પામી છે. જાે કે સીમેન્ટ રોડ નવનિર્માણ કર્યા બાદ પાણી છાંટવુ જાેઈએ તે પણ જરૂરી છે. પરંતુ નવા રસ્તા પર કંતાન મુકીને પણ પાણીનો છંટકાવ થઈ શકે અને પાણીનો બગાડ પણ ઓછો થાય. પરંતુ જે રીતે પાણીનો વેડફાટ થયો છે તેની સામે લોકોમાં રોષ ઉઠી રહયો છે.


