ગીરનાર પર બિરાજમાન અંબાજી માતાજીનાં મંદિરે આસો નવરાત્રીની ભવ્ય ઉજવણી થશે
નવરાત્રી દરમ્યાન રોજેરોજ હવન સહીતનાં કાર્યક્રમો યોજવા તંત્રનું આયોજન
જૂનાગઢ તા. ૮
આદ્યશકિત અંબાજી માતાજીના નવલા નોરતાનો આગામી તા. ૧૧ ઓકટોબર રવિવારથી શુભારંભ થઈ રહયો છે ત્યારે શકિતનાં પર્વ નવરાત્રીની જૂનાગઢ સહીત દેશભરમાં ભાવભેર ઉજવણી કરવામાં આવશે. જૂનાગઢ નજીક આવેલા ગીરનાર પર્વત પર બીરાજતા અને લાખો શ્રધ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા અંબાજી માતાજીનાં મંદિરે પણ નવરાત્રી પર્વની ભાવભકિત સાથે ઉજવણી કરવામાં આવનાર છે. અને તંત્ર દ્વારા આ અંગેની તૈયારી પણ કરવામાં આવી રહી છે.
પ૧ શકિતપીઠ પૈકીના ગીરનાર ખાતે બિરાજતા અંબાજી માતાજી મંદિર શકિતપીઠનું અનેરૂ અને આગવો મહીમા છે. અંબાજી માતાજીનાં દર્શનાર્થે વર્ષ દરમ્યાન હજારો શ્રધ્ધાળુઓ દૂર દૂરથી આવે છે અને માતાજીનાં સ્થાનકે શિશ નમાવી અને ભાવવિભોર બને છે. રોપ-વે કાર્યરત થયા બાદ અંબાજી માતાજીનાં મંદિરે દેશભરના શ્રધ્ધાળુઓનો પ્રવાહ સતત આવતો રહયો છે. આ ઉપરાંત ગીરનારની ટોચ અને અંબાજી માતાજીનાં મંદિરે જવા માટે પપ૦૦ પગથીયાની પદયાત્રા કરીને પણ શ્રધ્ધાળુઓ પોતાની ટેક અને માનતા પૂર્ણ કરે છે. વર્ષ દરમ્યાન આવતી ચારે ચાર નવરાત્રીનાં પર્વને પણ ભકિતભાવ પૂર્વક મનાવવામાં આવે છે. સુપ્રસિધ્ધ એવા અંબાજી માતાજીનાં ધામ અંબાજી માતાજી મંદિરનાં મહંત મોટાપીરબાવા પૂ. તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ મંદિરનો સઘળો વહીવટ તંત્ર દ્વારા કરવામાં આવી રહેલ છે. અને ભાવિકોની સુખસુવિધા જળવાઈ તે માટે જીલ્લા વહીવટી તંત્ર કાર્યરત છે. તો બીજી તરફ અંબાજી માતાજી મંદિરનાં વહીવટદાર તરીકે જૂનાગઢ શહેર મામલતદાર એ.કે. બારૈયાનાં માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સાથે જ આગામી રવિવારથી આસો સુદ-એકમ અને આદ્યશકિત માતાજીનાં નવરાત્રીનો શુભારંભ થઈ રહયો છે ત્યારે આ નવરાત્રી પર્વની પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવશે. નવરાત્રીનાં આ દિવસોમાં મંદિરની બહાર સીડીઓ તેમજ રેલીંગમાં રંગરોગાનની કામગીરી પણ પૂર્ણ થવામાં છે. તેમજ મંદિરને આર્ટીફીશ્યલ પુષ્પો દ્વારા શણગારવામાં આવનાર છે. જયારે મંદિરનાં ગર્ભગૃહમાં ઓરીજનલ પુષ્પથી શણગાર કરવામાં આવશે. આ ઉપરાંત ખાસ નવરાત્રીનાં પાવનકારી પર્વ પ્રસંગે રોજેરોજ હવનનો કાર્યક્રમ પણ યોજાશે. હાલ મંદિર વ્યવસ્થામાં પાંચ પુજારી દ્વારા પુજનવિધિ સહીતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. નવરાત્રી દરમ્યાન વધારાનાં બે પુજારીને પણ નિમવામાં આવશે. અને આ હવનનું કાર્ય તેમને સોંપવામાં આવશે. તેમજ હાલ સીકયુરીટીમાં ૪નો સ્ટાફ છે તેમાં પણ બેનો વધારો કરવામાં આવશે. નવરાત્રી દરમ્યાન દર્શન કરવા આવતા ભાવિકો-શ્રધ્ધાળુઓને કોઈ જાતની અગવડતા ન પડે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.


