જૂનાગઢ મહાનગરપાલિકાની પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે કાર્યવાહી : શહેરમાંથી  ૫૬૮.૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત, રૂા. ૫૦,૦૦૦નો દંડ ફટકારાયો

જૂનાગઢ મહાનગરપાલિકાની પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે કાર્યવાહી : શહેરમાંથી  ૫૬૮.૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત, રૂા. ૫૦,૦૦૦નો દંડ ફટકારાયો

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.પ
જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં પર્યાવરણના જતન અને સ્વચ્છતાને પ્રાધાન્ય આપવાના હેતુથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ અને વપરાશ અટકાવવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આજ તા.૪-૧૦-૨૦૨૬ના રોજ જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર આઈ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ શહેરમાં સઘન પ્લાસ્ટિક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત માન.નાયબ કમિશનર કે.સી.વાઘેલા અને સેનિટેશન સુપ્રિટેન્ડેન્ટ દર્શન મકવાણાની ઉપસ્થિતિમાં સેનિટેશન શાખાની પ્લાસ્ટિક ચેકિંગ સ્ક્વોડ દ્વારા જુદા-જુદા એકમો પર આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ‘જય અંબે પ્લાસ્ટિક‘ તથા ‘પુજા પ્લાસ્ટિક‘ ખાતેથી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત કરાયેલ પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો. મહાનગરપાલિકાની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરતા આ બંને સ્થળોએથી કુલ ૫૬૮.૫ કિલોગ્રામ જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, જાહેરનામાના ભંગ બદલ સંબંધિતોને રૂા.૫૦,૦૦૦(અંકે રૂપિયા પચાસ હજાર પૂરા)નો દંડ ફટકારીને વસૂલાત કરવામાં આવી છે. 
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ અને વેચાણ સામે આ પ્રકારની કડક ચેકિંગ ઝુંબેશ અવિરત ચાલુ રાખવામાં આવશે. તંત્ર દ્વારા તમામ વેપારી મિત્રો અને શહેરીજનોને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી, પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવવા અને જૂનાગઢને સ્વચ્છ તથા પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં સહકાર આપવા અપીલ કરવામાં આવે છે.